મદદ કરવાની અાજીજી કરી લોકો પાસેથી રૂપિયા ખંખેરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદ: પોલીસ અધિકારીઓના નામે રાજકારણીઓને ફોન કરી પોતાનાં સંતાનોનાં ભવિષ્ય અને ભણતર માટે પરીક્ષાની માગણી કરી નિર્દોષ લોકોને છેતરી રૂપિયા પડાવતી ગેંગના પાંચ શખસને દાહોદ પોલીસે ઝડપી લઈ સઘન તપાસ શરૂ કરી છે.

અા અંગેની વિગત એવી છે કે દાહોદના ભાજપ અગ્રણીને કોઈ શખસે ડીવાયએસપી અથવા પીઅાઈના નામે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે પુત્ર મેડિકલમાં અભ્યાસ કરતો હોય અને તેના ભવિષ્યનો સવાલ હોય પૈસાની જરૂર છે. અામ કહીં ઈમોશનલ બ્લેકમેઈલ કરી અા શખસે દાહોદના એક માજી નગરસેવક પાસેથી રૂ. ૧ લાખ ૬૦ હજાર પડાવ્યા હતા. અા જ પ્રમાણે જાલોદના એક રાજકરણી પાસેથી પણ પોતાના પુત્રની ફી માટે રૂ. દોઢ લાખની રકમ પડાવી હતી.

જ્યારે દેવગઢબારિયાના માજી પાલિકા પ્રમુખ પાસે પીઅાઈ ઝાલા નામે ફોન કરી અા ગેંગના ગઠિયાએ રૂપિયા દોઢ લાખની રકમ પડાવી હતી. અા અંગે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં અાવતા પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ખોટાં નામ ધારણ કરી રાજકારણીઓ પાસેથી રકમ ખંખેરનાર અમદાવાદના પાંચ શખસનો પોલીસે હિંમતનગર ખાતે છટકું ગોઠવી અાબાદ ઝડપી લીધા હતા. પોલીસે વિપુલ સહિત પાંચ શખસ પાસેથી એટીએમ કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, અાઈ-૧૦ કાર અને રોકડ રકમ મળી રૂપિયા પાંચ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિપુલ અમદાવાદ ભાજપના કાર્યાલયમાંથી રાજ્યના ભાજપ અગ્રણીઓના ટેલિફોન નંબર મેળવી તેની ટોળકીના મેળવણીપણામાં ઠગાઈના ગુના અાચરતા હોવાનું જાણવા મળે છે.

You might also like