વૈષ્ણોદેવી-અમરનાથના શ્રદ્ધાળુઓને ખુશખબરઃ હેલિકોપ્ટર ભાડું ઘટ્યું

જમ્મુ: માતા વૈષ્ણોદેવી અને બાબા અમરનાથના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર છે. જમ્મુ-કાશ્મીર સરકારે હેલિકોપ્ટર સેવા માટેના ટેક્સમાં ઘટાડો કર્યો છે અને શ્રાઈન બોર્ડે ત્યારબાદ હેલિકોપ્ટરનું ભાડું ઘટાડવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણય બાદ વૈષ્ણોદેવી અને અમરનાથનું સંચાલન કરતા બોર્ડના ચેરમેન અને રાજ્યપાલ એન.એન. વોહરાએ સભ્યો સાથે બેઠક કર્યા બાદ નવા ભાડાની જાહેરાત કરી હતી.

કટરા-સાંજી છત અને સાંજી છત-કટરાના એક બાજુના ભાડામાં રૂ. ૧૨૦નો ઘટાડો થયો છે. હેલિકોપ્ટર દ્વારા કટરા અને સાંજી છત વચ્ચે અગાઉ એક બાજુનું ભાડું રૂ. ૧,૦૭૭ (કરવેરા સહિત) હતું, જે હવે પ્રતિયાત્રી રૂ. ૯૫૭ થયું છે. આમ, હવે વૈષ્ણોદેવીના યાત્રીને હેલિકોપ્ટર દ્વારા આવવા-જવાના ભાડામાં રૂ. ૨૪૦નો ફાયદો થશે, જ્યારે નીલગ્રાથ-પાન જટરની સેક્ટર પર હેલિકોપ્ટર યાત્રા માટે એક તરફી ભાડામાં રૂ. ૧૯૨નો ઘટાડો થયો છે.

અગાઉ આ ભાડું રૂ. ૧૭૧૫ હતું, પરંતુ હવે યાત્રીને ૧૫૨૩ ચૂકવવા પડશે. પહલગાંવ-પંજતીરની સેક્ટર પર એક તરફી ભાડામાં ૩૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. અગાઉ યાત્રીને એક તરફી પ્રવાસ માટે રૂ. ૨૯૫૦ ચૂકવવા પડતા હતા, જે હવે રૂ. ૨૬૫૦ ચૂકવવા પડશે.
http://sambhaavnews.com/

You might also like