કેલિફોર્નિયામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત

લોસ એન્જલસ, ગુરુવાર
કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર તૂટીને મકાન પર પડતાં ત્રણ લોકોનાં મોત થયાં છે. આ ઘટનાને નજરે નિહાળનારા લોકો અને રાહત-બચાવ વિભાગના કર્મચારીઓએ જણાવ્યું કે ચાર સીટવાળું રોબિન્સન-૪૪ હેલિકોપ્ટર નીચે પડતાં પહેલાં એક મકાનની છત સાથે અથડાયું હતું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ દુર્ઘટના જે સ્થળે થઈ હતી તે વિસ્તારમાં રહેતી એક મહિલાએ સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે અવાજ થતાં પહેલાં તો મને એવું લાગ્યું હતું કે ટ્રેન આવી રહી છે. બાદમાં મેં નજીક જઈને જોયું તો એક વ્યક્તિને ત્યાં પડેલી જોઈ હતી તેમજ આ સ્થળે શરીરનાં કેટલાંક અંગ વેરવિખેર પડ્યાં હતાં.

સ્થિતિ જોતાં જ મેં ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે મને એવું લાગ્યું હતું કે આ દુર્ઘટનામાં કોઈ બચ્યું નહિ હોય. જ્યારે અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે હું બહાર નીકળ્યો હતો ત્યારે મેં હેલિકોપ્ટરનો કાટમાળ જોયો હતો, જેમાં એક વ્યક્તિને હેલિકોપ્ટરની બહાર લટકતી જોઇ હતી. એક સમયે મેં તેને બહાર કાઢવા વિચાર્યું હતું પણ તેને વધુ ઈજા થવાના ડરે મેં તેમ કર્યું ન હતું.

આ હેલિકોપ્ટરમાં ચાર લોકો હતા. બપોરે લગભગ ૧-૪૫ કલાકે જ્યારે આ હેલિકોપ્ટર મકાન સાથે ટકરાઈને તૂટી પડ્યું હતું ત્યારે ત્યાં એક વ્યક્તિ હાજર હતી. હાલ જે ત્રણ લોકોનાં મોત થયાં છે તે હેલિકોપ્ટરમાં બેઠેલા ચાર લોકો પૈકી હતા કે મકાનમાં રહેતા લોકો હતા તે અંગે જાણવા મળ્યું નથી. આ દુર્ઘટના બિસ્ટલ સ્ટ્રીટ અને બેવ્યુ પ્લેસ વચ્ચેના વિસ્તારમાં સર્જાઈ હતી. આ સ્થળ એરપોર્ટથી એક કિલોમીટર દૂર આવેલું છે.

You might also like