વડોદરાના યાત્રીઓને લઈ જતું હેલિકોપ્ટર બદરીનાથમાં ક્રેશઃ એન્જિનિયરનું મોત

બદરીનાથ (ચમોલી): ઉત્તરાખંડના બદરીનાથમાં ખાનગી કંપનીનું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ જતાં એકનું મોત થયું છે. બદરીનાથથી ગુજરાતના વડોદરાના યાત્રીઓને હરિદ્વાર લઈને જતું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં એક એન્જિનિયરનું હેલિકોપ્ટરની બ્લેડથી ગરદન કપાઈ જતાં મોત થયું હતું અને હેલિકોપ્ટરમાં સવાર અન્ય યાત્રીઓનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માતમાં હેલિકોપ્ટરના ચીફ પાઇલટ સંજય વાગે અને સહપાઇલટ અલકા શુક્લ સહિત સાત લોકોને નજીવી ઈજા પહોંચી હતી, જ્યારે હેલિકોપ્ટરના એન્જિનિયર વિક્રમ લાંબા (આસામ)નું મૃત્યુ થયું હતું.
આજે સવારે ૭.૨૫ કલાકની આસપાસ શ્રી બદરીનાથજી હેલિપેડ પર ક્રિસ્ટલ એવિયેશન કંપની મુંબઈનું હેલિકોપ્ટર યાત્રીઓને લઈને બદરીનાથથી હરિદ્વાર જઈ રહ્યું હતું ત્યારે ઉડાણ વખતે ઓછા પ્રેશરના કારણે હેલિપેડ પર ટકરાઈને હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

અહેવાલો અનુસાર હેલિકોપ્ટરમાં પાઈલટ, સહપાઈલટ, એન્જિનિયર ઉપરાંત પાંચ યાત્રીઓ સવાર હતા. ગુજરાતના આ યાત્રીઓ બદરીનાથનાં દર્શન કર્યા બાદ હરિદ્વાર પરત જઈ રહ્યા હતા. હેલિકોપ્ટરે જેવી ઉડાણ ભરી કે તેનું બેલેન્સ ખોરવાઈ ગયું હતું અને હેલિપેડની નજીક બદરીશ એકતા વનમાં તૂટી પડ્યું હતું. અકસ્માત દરમિયાન કંપનીના એન્જિનિયરે છલાંગ લગાવી હતી અને એ વખતે તેમની ગરદન હેલિકોપ્ટરની બ્લેડમાં કપાઈ જતાં તેમનું મોત થયું હતું.

પોલીસ અધીક્ષક તૃપ્તિ ભટ્ટે જણાવ્યું હતું કે બદરીનાથના હેલિપેડથી ઉડાણ ભર્યા બાદ હેલિકોપ્ટરનું બેલેન્સ ખોરવાઈ જતાં તૂટી પડ્યું હતું. બચી ગયેલા તમામ યાત્રીઓને બહાર કાઢીને વાહનમાર્ગે હરિદ્વાર મોકલવામાં આવ્યા હતા. મુખ્ય સચિવ એસ. રામાસ્વામીએ ગઢવાલના કમિશનર વિનોદ શર્માને આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરાવવા આદેશ કર્યો છે. ગઢવાલના કમિશનરે જણાવ્યું હતું કે જોશીમઠના એસડીએમ આ દુર્ઘટનાની તપાસ કરશે.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે ટ્વિટ કરીને મૃતક એન્જિનિયરના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે અચાનક આવી પડેલા આ સંકટ સામે લડવા મૃતક એન્જિનિયરના પરિવારજનોને શક્તિ આપે.

ગુજરાતના યાત્રીઓ સુરક્ષિત
હેલિકોપ્ટરમાં સવાર ગુજરાતના વડોદરા નિવાસી પાંચ યાત્રીઓ સુરક્ષિત છે જેમનાં નામ નીચે મુજબ છેઃ
(૧) નવીનભાઈ પટેલ
(૨) જશોદાબહેન પટેલ
(૩) હરીશભાઈ પટેલ
(૪) લીલાબહેન પટેલ
(૫) રમેશ અરવિંદભાઈ પટેલ
http://sambhaavnews.com/

You might also like