શૂટર હિના સિદ્ધુ હિજાબ નહીં પહેરે ઈરાનમાં રમવાનો ઇનકાર કરી દીધો

નવી દિલ્હીઃ ઈરાનમાં વિદેશી મહિલા ખેલાડીઓ માટે હિજાબ (સ્કાર્ફ) પહેરીને રમવાના નિયમને ભારતીય શૂટર હિનાએ પડકાર્યો છે. લંડન અને રિયો ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલી ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન પિસ્ટર શૂટર- અર્જુન એવોર્ડ વિજેતા હિના સિદ્ધુએ તહેરાનમાં યોજાનારી એશિયન એર શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે.

હિનાએ નેશનલ રાઇફલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાને સ્પષ્ટ કરી દીધું છે કે તેને આ સ્પર્ધામાં હિજાબ પહેરીને ભાગ લેવો મંજૂર નથી. એનઆરએઆઇએ પણ તેને આગામી તા. ૩થી ૯ નવેમ્બર યોજાનારી આ ચેમ્પિયનશિપમાં રમવા માટે બાધ્ય નથી કરી. હિનાના સ્થાને આ ચેમ્પિયનશિપ માટે હરવીન સરાઓની પસંદગી કરી લેવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે ભારતીય ટીમની અન્ય મહિલા શૂટર તહેરાનમાં ઈરાની નિયમ પ્રમાણે હિજાબ પહેરીને સ્પર્ધામાં ભાગ લેશે.

એનઆરએઆઇએ આ ચેમ્પિયનશિપ માટે ૧૮ સિનિયર અને જુનિયર મહિલા શૂટર્સની પસંદગી કરી છે. આ ચમેપ્યિનશિપમાં સુમા શિરુર, હરવીન સરાઓ અને મલાઇકા ગોયલ જેવી શૂટર ભાગ લઈ રહી છે. હિનાનો પતિ અને તેનો કોચ કોમનવેલ્થ ગેમ્સ મેડલિસ્ટ શૂટર રોનક પંડિતે ખુલાસો કર્યો હતો કે હિનાને અંગત રીતે લાગે છે કે રમતો માટે િહજાબ પહેરવો ફરજિયાત નથી. તે આના માટે તૈયાર નથી.

ઈરાનમાં પ્રવેશતી વખતે કોઈ પણ મહિલાએ હિજાબ પહેરવો અને ઘૂંટણની નીચે સુધી લાંબો કોટ પહેરવો ફરજિયાત છે. ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરીને જ રમવાના નિયમ સામે દુનિયાભરમાં વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. ગત મહિને જ અમેરિકાની ગ્રાન્ડમાસ્ટર નાજી પાઇકિડ્ઝ બારનેસે આગામી વર્ષે ઈરાનમાં યોજાનારી વર્લ્ડ મહિલા શતરંજમાં રમવાનો ઇનકાર કરી દીધો છે.
એનઆરએઆઇ અધ્યક્ષ રણઇન્દરસિંહે કહ્યું કે, ”ફક્ત હિના સિદ્ધુને વાંધો હતો. તેના સ્થાને અન્ય શૂટરની પસંદગી કરી લેવામાં આવી છે, પરંતુ અન્ય શૂટર તહેરાનમાં માથું, કાન અને ચહેરો ઢાંકીને જ સ્પર્ધામાં ભાગ લેશે. ઈરાનમાં હિજાબ પહેરવો ફરજિયાત છે. આવું ફક્ત ભારતીય શૂટર જ નહીં, બલકે અન્ય દેશમાંથી આવતા બીજા શૂટર્સ પણ કરશે. ઈરાન આવતી વિદેશી મહિલા પ્રવાસીઓએ પણ આવું કરવું જ પડે છે.

You might also like