હેડલીએ ઈશરત બોમ્બ ફોડીને ભાજપ વિરોધીઓને હચમચાવ્યા

ઇશરત જહાંનું નામ ફરી એક વાર ઊછળ્યું છે. ર૬/૧૧ના મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને પાકિસ્તાની અમેરિકન આતંકી ડેવિડ કોલમેન હેડલીએ મુંબઇની સ્પેશિયલ કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આપેલી પોતાની જુબાનીમાં ઇશરત લશ્કર-એ-તોઇબાની આત્મઘાતી આતંકી હતી એવો સનસનીખેજ પર્દાફાશ કરતાં અત્યાર સુધી ઇશરતને નિર્દોષ ગણાવતા ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ અને યુપીએ સરકારના પ્રધાનો તેમજ સીબીઆઇ અધિકારીઓની ઊંઘ હરામ થઇ ગઇ છે. હેડલી દ્વારા ઇશરત જહાંનું નામ લેવામાં આવતાં હવે આ પ્રકરણમાં મોટો ટર્નિંગ પોઇન્ટ આવશે એવા નિર્દેશો મળી રહ્યા છે. હેડલીએ જુબાનીમાં ઇશરત જહાં અંગે કરેલા ઘટસ્ફોટે તત્કાલીન ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમ્ અને સીબીઆઇના ડાયરેકટર રણજિત સિંહાની ભૂમિકા સામે અનેક પ્રશ્નાર્થો ઊભા કરી દીધા છે.

પી. ચિદમ્બરમ્ના સમયમાં ગૃહ મંત્રાલયે ઇશરત જહાંને ત્રાસવાદી બતાવતી એફિડેવિટ પાછી લીધી હતી, જ્યારે રણજિત સિંહાએ ઇશરત જહાંના ગ્રૂપના આતંકી ઇરાદાઓ અંગે સતર્ક કરનાર ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓને આરોપી બનાવવાની ભરપૂર કોશિશ કરી હતી. એન્કાઉન્ટરની તપાસ માટે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલ અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૬ ઓગસ્ટ, ર૦૦૮ના રોજ દાખલ કરેલ પોતાની એફિડેવિટમાં ઇશરત જહાં અને તેના સાગરીતોને લશ્કર-એ-તોઇબાના આતંકવાદીઓ બતાવ્યા હતા, પરંતુ પાછળથી તત્કાલીન ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ્ના દબાણમાં રાજકીય કારણસર ગૃહ મંત્રાલયે માત્ર બે મહિનામાં જ આ એફિડેવિટ પાછી ખેંચી લીધી હતી. ૩૦ સપ્ટેમ્બર, ર૦૦૯ના રોજ દાખલ કરેલ બીજી એફિડેવિટમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇશરત જહાં અને તેના સાગરીતો આતંકી હોવાના કોઇ નક્કર પુરાવા પ્રાપ્ત થયા નથી.

યુપીએ સરકારના ઇરાદાને પારખીને સીબીઆઇના તત્કાલીન વડા રણજિત સિંહા દ્વારા ઇશરતને નિર્દોષ સાબિત કરવા માટે તેના આતંકી ‌ઇરાદા અંગે ચેતવણી આપનાર ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓને લપેટમાં લેવાની કોશિશ કરવામાં આવી હતી. આ માટે આઇબીના સ્પેશિયલ ડાયરેકટર રાજેન્દ્રકુમારને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમણે ર૦૦૪માં અમદાવાદ ખાતે આઇબીના સંયુક્ત ડાયરેકટર તરીકે ઇન્ટેલિજન્સ રિપોર્ટ મોકલ્યો હતો. સીબીઆઇએ એવું સાબિત કરવાની કોશિશ કરી હતી કે રાજેન્દ્રકુમારની ટીમનો આઇબી રિપોર્ટ ખોટો છે અને ઇશરતના નકલી એન્કાઉન્ટરમાં તેઓ પણ સંડોવાયેલા છે.

આ મુદ્દે સીબીઆઇ અને આઇબી વચ્ચે મહિનાઓ સુધી ટકરાવ થયો હતો. રાજેન્દ્રકુમાર સહિત આઇબીના ચાર અધિકારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા માટે સીબીઆઇએ ભરપૂર પ્રયાસો કર્યા હતા. આ માટે સીબીઆઇએ ગૃહ મંત્રાલયને અનેક પત્ર પણ લખ્યા હતા, પરંતુ એનડીએ સરકાર આવ્યા બાદ ગૃહ મંત્રાલયે સીબીઆઇને આ અધિકારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા માટે મંજૂરી આપવા ઇનકાર કર્યો હતો.

ઇશરત જહાંના કહેવાતા નકલી એન્કાઉન્ટરમાં સીબીઆઇ દ્વારા તેમને બિનજરૂરી આરોપી બનાવવાના પ્રયાસ અંગેના સવાલ પર આઇબીના પૂર્વ અધિકારી રાજેન્દ્રકુમારે જણાવ્યું હતું કે હું સીબીઆઇના નિશાન પર ન હતો, દેશના લોકતંત્રને પ્રભાવિત કરવા માટે કેટલાક લોકોએ મારો ઉપયોગ પ્યાદાની જેમ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા, કારણ કે હું તેમને મોહરું બન્યો નહીં.

હેડલીએ ઇશરતનો બોમ્બ ફોડીને ભાજપના વિરોધીઓને ડઘાવી દીધા છે. હેડલીની જુબાનીથી ભાજપના નેતાઓ પણ ગેલમાં આવી ગયા છે. શિવસેનાએ તો ઇશરતને નિર્દોષ ગણાવનારા નેતાઓ સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.

You might also like