સેન્સેક્સમાં આફ્ટર શૉક, સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો

અમદાવાદ, શુક્રવાર
શેરબજારમાં ઘટાડાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. વૈશ્વિક બજારમાં આવેલા જોરદાર ઘટાડાના પરિબળની અસર ફરી એક વખત સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે. અમેરિકા સહિત એશિયાઇ બજારોમાં જોવા મળેલા ઘટાડા તથા વિદેશી રોકાણકારોની નોંધાયેલી સતત વેચવાલીના પગલે આજે બજાર શરૂઆતે જ ‘ધડામ’ થઇ ગયું હતું. શરૂઆતે સેન્સેક્સ ૫૫૬ પોઇન્ટના ઘટાડે ૩૩,૮૫૭, જ્યારે નિફ્ટી ૧૭૪ પોઇન્ટના ઘટાડે ૧૦,૪૦૦ની નજીક ૧૦,૪૦૨ની સપાટીએ ખૂલી હતી.

બેન્ક સહિત ઓટોમોબાઇલ, એફએમસીજી, આઇટી, ફાર્મા, કેપિટલ ગુડ્સ, પાવર, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં જોરદાર વેચવાલી નોંધાઇ હતી, જોકે ઉપલા મથાળેથી બજારમાં સાધારણ રિકવરી જોવાઇ હતી. ૧૦.૪૦ કલાકે સેન્સેક્સ ૪૩૦ પોઇન્ટના ઘટાડે ૩૩,૯૪૨, જ્યારે નિફ્ટી ૧૪૭ પોઇન્ટના ઘટાડે ૧૦,૪૨૯ની સપાટીએ જોવા મળી હતી.

દરમિયા આજે શરૂઆતે સેન્સેક્સમાં ૫૫૦ પોઇન્ટથી વધુનું ગાબડું પડતાં રોકાણકારોની વધુ બે લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થઇ ગયું હતું, જોકે બેન્ક નિફ્ટીમાં ૧.૬ ટકાનો ઘટાડો નોંધાઇ ૨૫,૫૦૧ની સપાટીએ કારોબારમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે ઇન્ડિયા બુલ હાઉસિંગ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી ઇન્ફ્રાટેલ, એચડીએફસી, આઇટીસી, એક્સિસ બેન્ક, યસ બેન્કના શેરમાં ૧.૫ ટકાથી ૨.૪ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.

દરમિયાન મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ જોરદાર વેચવાલી જોવાઇ હતી. રિલાયન્સ કેપિટલ, ઇમામી, ઇન્ડિયન હોટલ, અજમેરા રિયલ્ટી, ધનલક્ષ્મી બેન્ક, યુમેક્સ ઇન્ડસ્ટ્રીઝ, હિંદુજા ગ્લોબલ કંપનીના શેરમાં ત્રણથી સાત ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલા ખાનાખરાબીના સેન્ટિમેન્ટના પગલે ભારતીય શેરબજારમાં પણ પેનિક સેલિંગ જોવા મળી રહ્યું છે. સરકારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાખતા એફઆઇઆઇ સહિત સ્થાનિક રોકાણકારો દ્વારા પણ વેચવાલી નોંધાતી જોવા મળી રહી છે અને તેના પગલે શેરબજારમાં સતત ઘટાડાની ચાલ જોવાઇ રહી છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં પણ વેચવાલીનો સિલસિલો ચાલુ રહી શકે છે.

You might also like