કોંગ્રેસમાં 22 બેઠકના ઉમેદવારની પસંદગી માટે ભારે કશ્મકશ

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: કોંગ્રેસ હાઇકમાંડ દ્વારા પહેલા જ ધડાકે રાજ્યની ર૬ લોકસભાની બેઠક પૈકી ચાર બેઠકના ઉમેદવાર જાહેર કરાયાથી પક્ષમાં ભારે ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. બાકીના બાવીસ બેઠકના ઉમેદવારની પસંદગી પણ ઝડપભેર થશે તેવી ગુજરાત કોંગ્રેસમાં ચર્ચા ઊઠી હતી પરંતુ જે રીતે પક્ષમાંથી ચાલુ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ રહ્યા છે તેના કારણે આ બેઠકોના ઉમેદવારની પસંદગીમાં ભારે કશ્મકશ જોવા મળી છે.

માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાને ભાજપે રાજ્ય પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું હોઇ તેઓ આ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બનીને લડશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ઊઠી છે. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાનું પણ ભાજપમાં ઉમળકાભેર સ્વાગત કરાયા બાદ તેઓ આ ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં ઊતરે તેવી પણ શકયતા સર્જાઇ છે.

જો કે કોંગ્રેસ માટે માણાવદર અને ધ્રાંગધ્રા ઉપરાંત ઊંઝાનાં ધારાસભ્ય આશાબહેન પટેલનું રાજીનામું અને તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરવાતા આ ખાલી પડેલી બન્ને બેઠક માટે પણ ઉમેદવાર પસંદ કરવાની પળોજણ આવી છે. જો કે ખાસ તો લોકસભાની બાકી રર બેઠકના ઉમેદવારની પસંદગીના મામલે કોકડું વધુ ગૂંચવાયું છે.

અમદાવાદ પૂર્વમાંથી રાજુ પરમાર તો પસંદ કરાયા પરંતુ તેમાં પણ અંદરખાનેથી ઉમેદવાર સામે અસંતોષ ફેલાયો છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં પક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી ખાતે યોજાયેલી સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા ગયા હતા. આજે આ બેઠક યોજાનાર હતી પરંતુ તે રદ થતા આ બન્ને નેતાઓ અમદાવાદ પરત આવી ગયા છે. પ્રદેશ કોંગ્રેસમાં લોકસભાની બાકી રહેતી રર બેઠક અને વિધાનસભાની ચાર ખાલી પડેલી બેઠકના ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા ગૂંચવાડા ભરેલી હોઇ આના કારણે આ બાબત પક્ષના નિષ્ઠાનવાન કાર્યકરોમાં પણ ચર્ચાસ્પદ બની છે.

You might also like