VIDEO: આગામી 24 કલાકમાં રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ આગામી 24 કલાકમાં રાજ્યભરમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ભાવનગર, બોટાદ સહિતનાં પંથકોમાં વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.

મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ અને દાહોદ સહિતનાં પંથકમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણમાં નવસારી, વલસાડ, દમણ સહિતનાં દરિયાઈ વિસ્તારોમાં પણ ભારે વરસાદની પડવાની શક્યતા સેવાઇ રહી છે. જેને પગલે તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના અપાઇ છે. જો કે અમદાવાદવાસીઓ માટે નિરાશાજનક સમાચાર છે. કારણ કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લાં પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જેમાં રાજ્યનાં ૧૧૫ તાલુકાઓમાં તો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. મેઘરાજા છેલ્લાં કેટલાંય સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસે છે ત્યારે આ ભારે વરસાદને કારણે ચારેબાજુ પાણી જ પાણીની સ્થિતિ સર્જાઇ છે.

જો કે મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં વરસી રહ્યો છે કે જ્યાં નદીઓ પણ ગાંડી બની છે. પાણીની આવક વધતાં ચારે બાજુ નદીઓ પણ ગાંડીતૂર બની છે. આ સંજોગોમાં ભારે પૂરનો સામનો કરી રહેલાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી વાર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

You might also like