વરસાદી કહેર!, કુદરતનાં પ્રકોપથી હલબલી ઉઠ્યું કેરળ, VIDEO…

કેરલઃ દરિયાનાં પાણી સાથે સાથે આર્થિક અને ધાર્મિક નાતો ધરાવતા કેરળ માટે પાણી જ મહામુસીબત લઇને આવ્યો છે. સિઝનનાં વરસાદે કેરળમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યાં. પૂરનાં પાણીથી નદીઓ અને ડેમ તો છલકાઇ ગયાં. પરંતુ શહેર હોય કે ગામડાં, ઠેર-ઠેર ઘરોમાં પાણી ઘુસી ગયાં. કરોડો રૂપિયાની સંપત્તિ પર તો પાણી ફરી જ વળ્યું. તો ગણતરીનાં કલાકોમાં જ કેરળમાં પૂરની તબાહીમાં 20થી વધુ લોકોની જિંદગી પણ હોમાઇ ગઇ.

દક્ષિણ ભારતનાં સમૃદ્ધ રાજ્ય કેરળને કુદરતે હવાતીયા મારવા માટે મજબુર કરી દીધો. પાણીનો એવો પ્રકોપ કે શહેર હોય કે ગામડાં, નદી હોય કે જંગલ વિસ્તાર. કોઇ પણ વિસ્તાર એવો બાકી નથી કે જ્યાં જળ પ્રલય જોવા ન મળ્યો હોય. કેરળથી આવેલી આ તસ્વીર ચોંકાવનારી છે. પાણીનાં પ્રવાહમાં ત્રણ લોકો ફસાઇ ગયાં છે અને 6થી આઠ લોકો તેમને બચાવવા મથામણ કરી રહ્યાં છે. ભારે મુશ્કેલી બાદ એક વ્યક્તિ સુધી તો પહોંચી ગયાં. પરંતુ અન્ય બે લોકો ધસમસતા પ્રવાહમાં લાચાર જોવાં મળ્યાં.

પહેલા ધોરમાર વરસાદ અને પછી પૂરનો સંકટ અને ત્યાર બાદ જોવાં મળેલી હાડમારીએ 20થી વધુ લોકોનાં જીવ લઇ લીધાં. લાખો રૂપિયાની સંપત્તિ પાણીમાં વહી ગઇ. લોકો બેઘર બની ગયાં.

કેરળથી આવેલા એક એક દ્રશ્યો કંપાવી રહ્યાં છે. દરિયાકાંઠે વસેલા કેરળને પાણીની તો નવાઇ નથી પરંતુ આકાશમાંથી વરસેલો વરસાદ આવી આફત લાવશે તેવો કોઇને પણ અંદાજો ન હતો. ભારે વરસાદનાં કારણે ઇડુક્કી ડેમમાં ભરપુર પાણી આવ્યું. ડેમની જળસપાટી 169.95 મિટર સુધી પહોંચી ગઇ તો પટ વિસ્તારમાં રહેતાં લોકોનાં જીવ અધ્ધર થઇ ગયાં એટલે ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડવાનો તંત્રને નિર્ણય લેવો પડ્યો.

26 વર્ષમાં પ્રથમ વખત ડેમનાં દરવાજા ખોલી નાખવામાં આવ્યાં પરંતુ તેનાં કારણે પેરિયાર નદીનાં જળસ્તરમાં ધરખમ વધારો થયો છે. રાહત કાર્ય માટે NDRFની ત્રણ ટીમો કામે તો લાગી છે. તો સલામતીનાં ભાગરૂપે પૂર પ્રભાવિત વિસ્તારોની શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી. પરંતુ સ્થિતિ બગડે તેવાં સંકેત મળતા જ કેરળ સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ મદદનો હાથ ફેલાવ્યો છે. કેરળની જનતા અને સરકાર લાચાર છે. કહે છે કે અમે તો દરિયાનાં દોસ્ત છીએ પરંતુ પાણીનો આવો પ્રકોપ ક્યારેય નથી જોયો.

You might also like