ભારે વરસાદથી યુપી, બિહાર, પ.બંગાળમાં સ્થિતિ વણસીઃ ૪૦ લાખથી વધુ પ્રભાવિત

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ, બિહાર અને પ. બંગાળમાં ભારે વરસાદ અને પૂરના કારણે સ્થિ‌તિ વણસી ગઈ છે અને તેના કારણે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ૪૦ લાખથી વધુ લોકોને અસર થઈ છે. બિહારમાં ગુરુવારે પૂરથી વધુ આઠ લોકોનાં મોત થયાં છે, જેના કારણે બિહારમાં પૂરથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૧૩૫ થઈ ગઈ છે.

બિહારમાં ગંગા, સોન, પુનપુન, બૂઢી, ગંડક, ઘાઘરા, કોસી અને અન્ય નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે બિહારના ૧૨ જિલ્લાનાં ૧૯૩૪ ગામના ૩૧.૩૩ લાખ લોકોને અસર થઈ છે. બિહારમાં કુલ ૩.૪૪ લાખ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે તેમજ પૂરગ્રસ્ત વિસ્તારમાં હાલ ૪૩૩ રાહત શિબિર ચલાવવામાં આવી રહી છે, જેમાં ૧.૭૪ લાખ લોકો આશરો મે‍‍‍ળવી રહ્યા છે. આ ઉપરાંત પશુધન માટે ૧૦૮ શિબિર ખોલવામાં આવી છે ત્યારે મુખ્યપ્રધાન નીતીશકુમારે પટણામાંં વિવિધ કેમ્પની મુલાકાત લીધી હતી.

ઉત્તર પ્રદેશમાં ગંગા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે તેના કારણે અલ્હાબાદ, મિરજાપુર, વારણસી, ગાજીપુર અને બલિયાના કુલ ૯૫૦થી વધુ ગામમાં વધુ અસર જોવા મળી રહી છે. રાજ્યના સિંચાઈ પ્રધાન શિવપાલ યાદવે ગત ગુરુવારે બલિયાના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે વારાણસી, ગાજીપુર અને બલિયામાં સ્થિ‌તિ વધુ ગંભીર છે. માત્ર બલિયામાં જ બે લાખથી વધુ લોકોને અસર થઈ છે. અલ્હાબાદ, મિરજાપુર, વારાણસી, ગાજીપુર અને બલિયામાં પૂરનો સામનો કરવા અત્યાર સુધીમાં ૩૨૩ પૂર અંગેની ચોકીઓ, ૧૪૨ રાહત શિબિર તથા ૧૦૧ રાહત વિતરણ કેન્દ્ર શરૂ કરવામાંં આવ્યાં છે.

ઉત્તર પ્રદેશમાં યમુના નદીનું જળ સ્તર કાલપી અને બુંદેલખંડમાં આવનાર કાલપી, હમીરપુર અને ચિલ્લાઘાટ( વાંદા)ની સાથોસાથ નૈની (અલ્હાબાદ)માં પણ ભયજનક સ્થિ‌તિએ છે. પ્રયાગઘાટમાં આ નદી ખતરાના નિશાનથી નજીક વહી રહી છે. મંદિરોની નગરી ગણાતા વારાણસીના ઘાટ પાણીમાં ડૂબી ગયા છે. વારાણસીમાં સૂકાં લાકડાં ખૂટી જતાં મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં પણ તકલીફ પડી રહી છે.

સતત અને ભારે વરસાદથી પ.બંગાળના માલદાના ૨૯ ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે. અને આ વિસ્તારમાં ગંગા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ત્યારે આ વિસ્તારમાં અેલર્ટ જાહેર કરી દેવામા આવ્યુ છે.

You might also like