ચેન્નઈ રીતસરનું પાણીમાં ડૂબી ગયુંઃ લશ્કર અને NDRFની ટીમો તહેનાત

ચેન્નઈ: ચેન્નઈ સહિત સમગ્ર તામિલનાડુમાં વરસાદનો કહેર જારી છે. ચેન્નઈના તમામ વિસ્તારો જળબંબાકાર બની ગયા છે અને જાણે ચેન્નઈ આખું વરસાદના પાણીમાં ડૂબી ગયું છે. ચેન્નઈમાં વરસાદને કારણે સ્થિતિ એટલી હદે વણસી છે કે લશ્કર, નૌકાદળ, વાયુદળ અને એનડીઆરએફએ મોરચો સંભાળવો પડ્યો છે. ચેન્નઈ એરપોર્ટનો રન-વે પાણીમાં ડૂબી જતાં એરપોર્ટ આજે આખા દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે.

અેરપોર્ટ પર ૭૦૦થી વધુ વિમાની યાત્રીઓ અટવાઈ ગયા છે. ચેન્નઈમાં વરસાદે છેલ્લાં ૧૦૦ વર્ષના રેકોર્ડને બ્રેક કર્યો છે. હોસ્પિટલોમાં પણ પાણી ઘૂસી જતાં ઈમર્જન્સી સેવાઓને અસર પહોંચી છે. અત્યાર સુધીમાં વરસાદને કારણે ૧૮૮થી વધુ લોકોનાં મોત થયાં છે. હવામાનખાતાએ એવી આગાહી કરી છે કે ચેન્નઈ અને તામિલનાડુમાં હજુ ચાર દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે.

એનડીઆરએફની ૧૦ ટીમો તહેનાત
તત્કાળ આર્મી, નેવી અને એરફોર્સ ઉપરાંત એનડીઆરએફની ટીમો ચેન્નઈમાં તહેનાત કરી દેવામાં આવી છે. એનડીઆરએફની ૧૦ ટીમો કામે લાગી ગઈ છે. મંગળવારે રાત્રે જ લશ્કરને બોલાવી દેવામાં આવ્યું છે. લશ્કરની ગેરિસન ઈન્ફન્ટ્રી બટાલિયનની બે ટુકડીઓને તામ્બરમ અને ઓરાપક્કમમાં બચાવ કાર્યમાં લગાડી દીધી છે. આર્મીએ ૫૦-૫૦ જવાનોની બે ટીમને ચેન્નઈના બે વિસ્તારોમાં મોકલી છે. નેવીએ આઈએનએસ અડિયારથી બે ટીમો રવાના થઈ ચૂકી છે. એરફોર્સનાં બે હેલિકોપ્ટર તિરુપ‌િતથી રિલીફ ઓપરેશન માટે ઓપરેટ થઈ રહ્યા છે.

મદદ માટે મોદીની ખાતરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતા સાથે ફોન પર વાત કરીને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે તામિલનાડુમાં પૂરની સ્થિતિને લઈને જયલલિતાજી સાથે વાત કરી આ દુર્ભાગ્યપૂર્ણ ઘડીએ તમામ સંભવિત મદદ અને સહયોગની ખાતરી આપી.

૩૬ રાહત કેન્દ્રો
તામિલનાડુ સરકારે રાજ્યમાં ૩૬ રાહત કેન્દ્રો ઊભાં કર્યાં છે, જે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અત્યાર સુધીમાં ૩૬૦૦ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. પીવા માટે સ્વચ્છ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૧ ડેમથી પાણીનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે. કાંચીપુરમ્નું પાણી નદી અને નહેરો દ્વારા ચેન્નઈ શહેરમાં ઘૂસી ગયા છે તેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. હવામાનખાતાનું કહેવું છે કે હજુ વરસાદનો ખતરો ચાર િદવસ ચાલુ રહેશે.

You might also like