કુદરતનાં કહેર સામે કેરલ લાચાર, પૂરમાં હોમાઇ અનેક જીંદગીઓ

કુદરતનું સૌથી રમણીય રાજ્ય કહેવાતું કેરલ આજે ભયંકર પુર સામે ઝઝુમી રહ્યું છે. ધોધમાર વરસાદ અને ત્યાર બાદ આવેલાં પુરે રાજ્યને ધમરોળી નાખ્યું છે. આઝાદી બાદ આવેલાં સૌથી મોટા પુરમાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. તો રાજ્યને 8 હજાર કરોડથી વધુનું નુકસાન પણ થયું છે. સેના, નૌસેના, વાયુસેના એમ તમામ બચાવ લોકો કાર્યમાં લાગી ગયાં છે.

કુદરતનાં કહેર વચ્ચે ઝઝુમી રહેલાં કેરળમાં અનેક લોકો ફસાયાં છે તો અનેક લોકોને રેસક્યું ટીમે બચાવ્યાં છે. NDRFની ટીમે લગભગ 4500 લોકોને બચાવ્યાં છે. તો હજુ જે લોકો ફસાયાં છે. તેમને બચાવવા માટે કોસ્ટ ગાર્ડનું એક શિપ કોચ્ચી પહોંચ્યું છે. રાજ્યનાં અલગ-અલગ વિસ્તારમાં હાલ 24 ટીમ કાર્યરત છે.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે અત્યાર સુધી 1764 લોકોને બચાવ્યાં અને 4688 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયાં તેમજ રાજ્યની રાજધાની તિરુવનંતપુરમ માટે હાલ રાહતનાં સમાચાર છે. અહીં આપવામાં આવેલું રેડ એલર્ટ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. રાજ્યનાં 14માંથી 13 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પિનરઈ વિજયને કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી 167 લોકોનાં મોત થયાં.

જો કે કેન્દ્ર સરકાર પણ કેરળ રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું કે, તેમણે કેરળનાં મુખ્યમંત્રી વિજયન સાથે ફોન પર વાત કરી છે અને સ્થિતિની જાણકારી માંગી છે. પ્રધાનમંત્રી મોદી કેરળમાં સ્થિતિનો તાગ મેળવવા જવાનાં છે.

આ તરફ પથનમતિત્તા જિલ્લામાં હેલ્પલાઈન નંબર જાહેર કર્યાં છે. રાજ્યની ગંભીર સ્થિતિને જોતાં સુપ્રીમ કોર્ટે મલ્લપેરિયાર ડેમનાં અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે ડેમમાંથી પાણી છોડવાંથી જે સ્થિતિ પેદા થાય તેનાં પર પ્લાન કરો.

કેરળમાં વિકટ સ્થિતિને જોતાં પાડોશી કર્ણાટક રાજ્ય પરીવહન નિગમ દ્વારા બેંગાલુરૂથી કેરળ જતી તમામ બસ સેવાઓ રદ કરી દેવાઇ છે. તો આ સાથે કેરળની તમામ શાળા કોલેજોમાં પણ રજાઓ આપી દેવાઈ છે અને પરીક્ષાઓ રદ કરી દેવાઈ છે. તો હજુ પણ રાજ્ય પરથી સંકટ ટળ્યું નથી.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી એક બે દિવસમાં ધોધમાર વરસાદ પડી શકે છે. આ સાથે સાથે ઠેર-ઠેર થઈ રહેલાં ભૂસ્ખલનને કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે જે ચિંતાનું કારણ બન્યો છે. તો નદીઓ પણ ભારે તાંડવ મચાવી રહી છે. ત્યારે હવે કેરળવાસીઓ કહી રહ્યાં છે કે મેઘરાજા હવે ખમૈયા કરો.

You might also like