ભારે વરસાદથી મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત, તુલસી જળાશય ઓવરફ્લૉ

મુંબઇમાં સોમવારે રાત્રે વરસાદનો કહેર યથાવત જોવા મળ્યો હતો. ભારે વરસાદના પગલે મુંબઇના ઘણા વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયું છે. રોડ, ગલી, સોસાયટી બધી જગ્યાઓ પાણીમાં ગરકાવ થઇ ગયેલી જોવા મળી છે. ભારે વરસાદના પગલે મંગળવારે પણ સ્કૂલ બંધ રાખવાના આદેશ અપાયાં છે.

રાતભર ચાલુ રહેલા વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. વડાલા રેલવે સ્ટેશન પર પાણી રેલવે ટ્રેક પર ફરી વળ્યાં છે. જેના કારણે લોકલ ટ્રેનની સ્પીડ પર બ્રેક લાગવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

તો બીજી તરફ પાલઘર, વસઇના અનેક વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ઘરમાં ઘુસી ગયા છે. 150થી વધારે ઘરોમાં પાણી ઘુસી જતાં 400 લોકો પ્રભાવિત થયા છે. જ્યારે બીજી તરફ મુંબઇના લોકોને પાણી પુરુ પાડતો તુલસી ડેમ ઓવરફલો થઇ ગયો છે. મુંબઇમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આમ, ભારે વરસાદના પગલે મુંબઇમાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે. શહેરના મુખ્ય માર્ગો, રેલવેના ટ્રેક પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વડાલા, દાદર, સાયન, અંધેરી, શાંતાક્રૂઝમાં પાણી ભરાયા છે. મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે. રેલવે ટ્રેક પર પાણી ભરાતા 90 ટ્રેન રદ કરવામાં આવી છે.

પાલઘરમાં પણ અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. કોલાબામાં 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. મુંબઇને પીવાનું પાણી પુરૂ પાડતું તુલસી જળાશય ઓવરફલો થયો. મુંબઇના કેટલાક વિસ્તારોમાં 3 દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદના પગલે વસઇ અને વિરાર વચ્ચે રેલ સેવા સ્થગિત કરાઇ.

You might also like