અમદાવાદમાં વરસાદે કર્યું ફરીથી દે ધનાધન!

અમદાવાદ: શહેરમાં ગઇ કાલે દિવસભર મેઘરાજાએ લગભગ વિરામ લીધો હતો. પરંતુ રાત્રીના સુમારે ૧૦ વાગ્યાથી વરસાદે ફરીથી એક વખત તોફાની બેટિંગ શરૂ કરી હતી. રાતભર વરસાદે ઓછી-વત્તી હાજરી નોંધાવી હતી. ખાસ કરીને રાતના ૧૦થી ૧રની વચ્ચે મુશળધાર વરસાદ ખાબકતાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા સેંકડો નાગરિકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. જોકે બે કલાક બાદ વરસાદનું જોર હળવું થતાં લોકોએ રાહત અનુભવી હતી, પરંતુ આજે સવારે ફરીથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વરસાદી માહોલની વચ્ચે સવારે ઓફિસમાં જનારા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બિસમાર રસ્તાના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતાં શહેરીજનોની હાલાકીમાં વધારો થયો હતો. દરમ્યાન પૂર્વ વિસ્તારમાં અનેક શાળાઓમાં વરસાદના પગલે રજા જાહેર કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં ગઇ કાલે રાત્રે ૧૦ થી ૧ર વાગ્યાની વચ્ચે મેઘરાજાએ ફરીથી તોફાની બેટિંગ કરી હતી. શહેરમાં અષાઢી મેઘે બરાબરની જમાવટ કરી હોઇ ઠેરઠેર વરસાદી પાણી જમા થઇને સામાન્ય જનજીવનને પ્રભાવિત કરી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બલિહારીથી ર૦૦થી વધુ સ્થળ વરસાદી પાણીમાં ગરકાવ થઇ જાય છે. સામાન્ય વરસાદમાં પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહી છે. આવા વરસાદી માહોલમાં શહેરભરનું વાતાવરણ ખુશનુમા પણ બન્યું છે. દરમ્યાન આજે સવારે પણ મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. કલાકના સમયગાળામાં પાલડીમાં ૩ ઇંચથી વધુ, ખમાસામાં ૩ ઇંચ, વેજલપુર અને દુધેશ્વરમાં ર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

પાલડીના ટાગોર હોલ ખાતેના મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યસ્થ કંટ્રોલ રૂમના સૂત્રોનાં જણાવ્યા મુજબ ગઇ કાલે રાતના ૧૦થી ૧ર વાગ્યા સુધીમાં વધુ ૩ર એમએમ વરસાદ નોંધાયો હતો. ઉસ્માનપુરમાં બે ઇંચ, બોડકદેવમાં દોઢ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી ભરાઇ ગયાં હતાં. ગઇ કાલે રાતના ૧૦થી આજે સવારે ૬ વાગ્યા સુધીનો ઝોનવાઇઝ વરસાદની વિગત તપાસતા મધ્ય ઝોનમાં સૌથી વધુ ૬૯ એમએમ નવા પશ્ચિમ ઝોનમાં ૪૯ એમએમ, પશ્ચિમ ઝોનમાં ૩૯ એમએમ, દક્ષિણ ઝોનમાં એક ઇંચ અને પૂર્વ ઝોનમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ચાલુ ચોમાસાની સિઝનમાં શહેરનો કુલ વરસાદ ૧પ.પ૦ ઇંચ થયો છે.

દરમ્યાન ગઇકાલે રાતભર પડેલા વરસાદથી ખાડાનગરીમાં ફેરવાઇ ગયેલા અમદાવાદમાં વધુ બે ખાડા પડ્યા હોવાની ફરિયાદ તંત્રના ચોપડે નોંધાઇ હતી. ખમાસાના મટકીવાડ અને ચાંદખેડામાં ટોરેન્ટ પાવર હાઉસ ખાતે ખાડો પડતા ભૂવા-ખાડાની કુલ ૩૪ ફરિયાદ થઇ છે. જ્યારે આસ્ટોડિયા રંગાટી બજારની બેરડીની પોળમાં એક મકાન ભયજનક હાલતમાં મુકાયું હતું. ગુલબાઇ ટેકરા પાસે એક ઝાડ પડી જતાં ઝાડને લગતી કુલ ફરિયાદનો આંકડો ૬પ પર થઇ પહોંચ્યો છે. જ્યારે વેજલપુરમાં શ્રીનંદનગર વિભાગ-૧, બોડકદેવમાં માનસી સર્કલ અને વાસણામાં શ્રેયસ સોસાયટી ખાતે વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.

આ દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા શહેરમાં આગામી તા.ર૬ જુલાઇ સુધી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરાઇ છે. આજે સવારના ૮ થી ૧૦ કલાક વચ્ચે એક ઇંચથી વધુ વરસાદ પડતાં ફરીથી ઓફિસ અવર્સમાં સેંકડો નાગરિકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં એએમટીએસની બસને ડાઇવર્ઝન અપાયું હતું. મહિલા ઉતારુઓ સહિતના ઉતારુઓ પાસેથી રિક્ષાવાળાઓ મોં માગ્યાં ભાડાં વસૂલતા જોવા મળ્યા હતા. ઘણા વિસ્તારોમાં લોકો પોતે જ કેચપીટ કે મેનહોલનાં ઢાંકણાં ખોલી વરસાદી પાણીનો નિકાલ કરતા નજરે પડ્યા હતા. ગોતા, બોડકદેવ અને દૂધેશ્વરમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઝોનવાઇઝ વરસાદની વિગતો તપાસતાં દક્ષિણ ઝોનમાં અડધો ઇંચ, ઉત્તર ઝોનમાં એક ઇંચથી વધુ, મધ્ય ઝોન, નવા પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં દોઢ ઇંચથી વધુ અને પૂર્વ ઝોનમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.

કંટ્રોલ રૂમનાં સૂત્રોના જણાવ્યા મુજબ કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તાર અને પ્રેમ દરવાજા ચાર રસ્તા ખાતે પાણી ભરાયાં હોવાની ફ‌િરયાદ તંત્રને મળી હતી, જોકે બાપુનગરમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ, આંબાવાડીના પંચવટી વિસ્તાર અને નારણપુરા વોર્ડ, નરોડા, અમરાઇવાડી, રામોલ, હાટકેશ્વર, રખિયાલ અને ગોમતીપુર, સેટેલાઇટના શિવરંજની માણેકબાગ ચાર રસ્તા સહિતના વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ચમનપુરા વિસ્તારમાં ઘુંટણસમાં પાણી ભરાવાથી હોડી ફેરવવી પડે તેવી વિકટ સ્થિતિ સર્જાઇ હતી. અંડરપાસને આજે સવારના ૯-૩પ કલાકે બંધ કરી દેવાયો હતો.

દરમિયાન શહેરના ગોતા વિસ્તારમાં આવેલા વસંતનગરમાં રહેતી એક વ્યક્તિ આજે વહેલી સવારે ધાબા પર વરસાદનું ભરાયેલંુ પાણી કાઢવા ગઇ તે સમયે ઇલેક્ટ્રિક વાયરને સ્પર્શી જતાં કરંટ લાગવાથી તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ પોલીસને થતાં સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

ગોતાના વસંતનગર વિસ્તારમાં રતનસિંહ રહે છે. ગત રાતથી વહેલી સવાર સુધી પડેલા વરસાદના કારણે તેમના ઘરના ધાબા પર પાણી ભરાઇ ગયું હતું. રતનસિંહ ધાબે પાણી કાઢવા માટે ગયા હતા. તે પાણી કાઢતા હતા તે દરમિયાન તેમના ધાબા પરથી ઇલેક્ટ્રિક વાયર પસાર થતો હતો તેને અજાણતાં તેઓ અડી જતાં કરંટ લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વરસાદમાં કરંટ લાગતાં બાજુના ધાબા પર ઊભેલા લોકોની પણ તેઓને બચાવવાની હિંમત ચાલી નહોતી.
http://sambhaavnews.com/

You might also like