અમરેલીમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવતા બજારોમાં ફરી વળ્યાં પાણી

અમરેલીઃ જિલ્લાનાં લીલીયા શહેર તેમજ ઉપરવાસમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. અતિ ભારે વરસાદનાં પગલે નાવલી નદીમાં ભારે પૂર આવ્યું હતું. જેને લઈને શહેરની મેઈન બજારની દુકાનોમાં પાણી ઘુસી ગયું હતું. જેથી દુકાનમાં રાખેલા માલસામાનને ભારે નુકશાન થયું હતું.

નાવલી નદીનું પાણી બજારમાં આવતા બજારમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. આ અફરાતફરીમાં એક યુવક થોડેક સુધી પાણીમાં તણાયો હતો. જો કે સદનસીબે આગળ જતાં છીછરા પાણીમાં આ યુવક બચી ગયો હતો. મહત્વનું છે કે અમરેલી જિલ્લાનાં લીલીયા શહેરમાં ભારે વરસાદ શરૂ થયો હતો.

આ ભારે વરસાદને પગલે ગામમાંથી પસાર થતી નાવલી નદીમાં નવા નીરની આવક વધતા નાવલી નદીમાં અચાનક જ પૂર આવી ગયું હતું. જો કે આ ભારે પૂરને કારણે લીલીયા શહેરનાં બજારમાં આવેલી દુકાનોમાં પાણી ફરી વળતાં દુકાનમાં રાખેલો માલ પાણીમાં ધસી ગયો હતો અને પલળી પણ ગયો હતો. એ સિવાય અમરેલીનાં જાફરાબાદમાં આવેલ નાગેશ્રી ગામમાં પણ મેઘરાજાએ મહેર કરતાં રાયડી નદીમાં નવા નીર આવતાં ભારે પૂરની સ્થિતી સર્જાઇ હતી.

You might also like