વરસાદ રોકાયો તો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું

અમદાવાદ: શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત પડી ગયેલા વરસાદના પગલે રોગચાળો વકર્યો છે. શહેરમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ ફેલાવતાં મચ્છરોએ ભરડો લીધો છે. મચ્છરજન્ય રોગચાળા અને પાણીજન્ય રોગચાળાના કેસોથી સરકારી અને ખાનગી દવાખાનાંઓ ઊભરાઇ રહ્યાં છે ત્યારે ૧૦૮ની સેવામાં એક સપ્તાહમાં ૩૩૦૦ કેસ નોંધાયા છે.

તાવ, ઝાડા-ઊલટી, પેટનો દુખાવો, મેલેરિયાના સૌથી વધુ કેસો આ અઠડિયામાં નોંધાયા છે. પહેલાં હળવો અને પછી સતત વરસાદના પગલે રહેણાક વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારમાં ગંદકી અને પાણીના ખાબોચિયા ભરાઇ રહે છે. સતત વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો છે. શરદી, ઉધરસ, તાવના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

અમદાવાદમાં ૧૦ દિવસમાં તાવ, ઝાડા-ઊલટીના ૧૦૮ની સેવાએ મેળવેલા કેસ ૩ર૯૯ નોંધાયા છે. સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ ઊભરાઇ રહ્યા છે. આ અંગે એલજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાજેશ શાહે જણાવ્યું હતું કે એલજીમાં દરેક વિભાગના મળીને રોજના ૧૪૦૦થી ૧પ૦૦ દર્દીઓની ઓપીડી રહે છે તેમાં ઝાડ-ઊલટી અને તાવ-ઉધરસના કેસોમાં દર્દીઓ સૌથી વધ્યા છે. પરંતુ હજુ આગામી સપ્તાહે દદીઓમાં વધારો થવાની શકયતા છે, કારણ કે મચ્છરોનો ઉપદ્રવ વરસાદી વિરામથી વધુ થશે, જેના કારણે મેલેરિયાના કેસો વધશે.

ખાનગી ક્લિનિક ધરાવતા ડો.હિમાંશુ શાહે જણાવ્યું હતું કે અત્યારે દર્દીઓની સંખ્યા ૩૦ ટકા વધી છે. તાવ શરદી, મેલેરિયા, વાઇરલ અને સૌથી વધુ ઝાડા-ઊલટીના કેસો વધુ ને વધુ નોંધાઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ આ માસની શરૂઆતમાં ૯૦૦ નવા દર્દીઓ નોંધાયા હતા. આ સંખ્યા વધીને આ માસના અંત સુધીમાં ૧ર૦૬ની થઇ ચૂકી છે. જે દર્દીઓની સંખ્યામાં વધારો થયો તેમાં મેલેરિયા, ઝાડા-ઊલટી, ડેન્ગ્યુ, શરદી-ઉધરસ અને ‌િચકનગુ‌િનયાનો સમાવેશ થાય છે. ૧૦૮માં છેલ્લા સાત દિવસ દરમ્યાન નોંધાયેલા કેસોમાં પેટના દુખાવાના ર૬૮, શ્વાસની બીમારી ર૩૪, પડી જવાના રપર, તાવના ર૩૦, ઝાડા-ઊલટીના ૧૦૦, બેભાન થયા ર૪ર, ઊલટીના ર૦૦ સહિત અન્ય મળીને કુલ ૩૩૦૦ કેસો નોંધાયા છે.

You might also like