અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ ‘ડેઈ તોફાને’ હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને લઈને હવામાન વિભાગે દેશનાં કેટલાંય રાજ્યોમાં ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર કરેલ છે. હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. ડેઈના પગલે દિલ્લીનાં વાતાવરણમાં પણ ફેરફાર જોવાં મળ્યો છે.

ડેઈ તોફાન ગોપાલપુર પાસે સમુદ્ર તટ પર પહોંચ્યું અને તેનાં પગલે ભારે પવન ફૂંકાવા લાગ્યો. 23 કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોવાનું પણ સામે આવ્યું છે. દિલ્લી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તેલંગાણા, ઝારખંડ, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી અને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કેદારનાથ, બદ્રીનાથનાં ઉંચા પહાડો પર પણ હાલ બરફની ચાદર ફેલાયેલી છે. ત્યારે બે દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા પણ સેવવામાં આવી છે.

મહત્વનું છે કે ત્યારે હાલમાં આજનાં રોજ શનિવારે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતનાં સમગ્ર અમદાવાદ જિલ્લામાં ચારે બાજુ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહેલ છે. તેમજ પંચમહાલ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરાનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઇ ગયો છે. તેમજ અમદાવાદનાં પૂર્વ વિસ્તારોમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડ્યાં છે. શહેરનાં જશોદાનગર, મણિનગર અને નારોલમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે.

પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદે માજા મૂકી છે. ઘણાં લાંબા સમય બાદ મેઘરાજાનું રાજ્યમાં આગમન થતાં લોકોને ઉકળાટથી રાહત મળી છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદે માજા મૂકી છે. મોડાસામાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. બાયડ તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે. મેઘરજ, માલપુર અને ભિલોડામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી બાજુ અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળામાં પણ એક અનેરો માહોલ જામ્યો છે.

ભાદરવી પૂનમનાં મેળામાં પણ વરસાદથી શ્રદ્વાળુઓમાં એક અનેરો આનંદ બેવડાયો છે. અસહ્ય ઉકળાટમાં વરસાદ પડતાં શ્રદ્વાળુઓને ગરમીથી રાહત મળી છે. ખેડાનાં ગળતેશ્વરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સેવાળિયામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ચોમાસાની ઋતુનાં ભારે વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવાં મળી રહી છે. ભારે ગરમી બાદ વરસાદથી લોકોને રાહત મળી છે. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી છે. સુકાઇ રહેલા પાકને પણ એક નવું જીવનદાન મળ્યું છે.

You might also like