વડોદરામાં મુશળધાર વરસાદે સમગ્ર શહેર બાનમાં લીધુ

વડોદરા : મંગળવારનો દિવસ વડોદરા માટે થોડો કાઠો રહ્યો હતો. સાંજે 4 વાગ્યાથી ચાલુ થયેલા વરસાદે બે કલાક સુધી ધમાકેદાર બેટિંગ કરી હતી. જેનાં પગલે સમગ્ર શહેરમાં જળબંબાકારની પરિસ્થિતી સર્જાઇ હતી. ભારે વરસાદનાં કારણે શહેરનાં નિચાણવાળા વિસ્તારો રાવતપુરા, કારેલીબાગ, માંજલપુર, સયાજીગંજ, સરદાર એસ્ટેટ, પરિવાર ચાર રસ્તા સહિતનાં વિસ્તારોમાં જળબંબાકાર થઇ ગયો હતો.

બીજી તરફ રેલ્વે સ્ટેશન પાછળનાં અલ્કાપુરી અંડર બ્રિજમાં પાણી ભરાઇ જતા તેને બંધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વરસાદની ધમાકેદાર બેટિંગ બાદ સમગ્ર શહેરની રફ્તાર જાણે એકાએક અટકી ગઇ હતી. કેટલાય સ્થળો પર ટ્રાફીક જામ સર્જાયા હતા. અમિત નગર સર્કલથી માંડે દાંડીયા બજાર બ્રિજ પર વાહનોનો ઠઠ્ઠ જામી ગયો હતો. સમગ્ર શહેરને વરસાદે જાણે બાનમાં લીધું હતું.

વરસાદનાં કારણે લગભગ મોટા ભાગનાં તમામ ગરનાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી. શહેરનાં સમા ,ગોરવા, વીઆઇપી રોડ, પરિવાર ચાર રસ્તા નજીક ઝાડો પડવાની ઘટના પણ બની હતી. બે કલાક જેટલા ઓછા સમયમાં 7 ઇંચ વરસાદ ધાબડ્યો હતો. જેનાં પગલે કેટલાય લોકો રસ્તામાં રહ્યા હતા. ગાડીઓ અને દ્વિચક્રિ વાહનોને ભાર મુશ્કેલી પડી હતી.

You might also like