રાજ્યમાં મેઘરાજા થયા મહેરબાન, 29 જિલ્લાનાં 162 તાલુકાઓમાં મેઘાની મહેર

રાજ્યમાં મેઘરાજાની મહેરબાની થઈ છે. ગઈ કાલે રાજ્યના 29 જિલ્લાનાં 162 તાલુકાઓમાં મેઘાની મહેર જોવા મળી. 162 તાલુકાઓમાં 2 થી 9 ઈંચ સુધીનો વરસાદ જોવા મળ્યો. રાજકોટના શાપર વેરાવળમાં માત્ર 3 કલાકમાં 7 ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે ડાંગના વઘઈમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ વરસ્યો છે.

જેના પગલે ડાંગની અંબિકા નદીમાં પાણીની આવક થતા ભયજનક સપાટી વટાવતા તંત્ર દ્વારા લોકોને નદીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. આહવા અને વાંસદામાં 5 ઈંચ અને સાપુતારામાં 7 ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે અન્ય વિસ્તારની વાત કરવામાં આવે તો બોરસદમાં 8 ઈંચ, સુરત -નવસારીમાં 4-4 ઈંચ, તારાપુરમાં 6 ઈંચ, ભરૂચ-ઝઘડિયામાં 6 ઈંચ, દેવકીગાલોળામાં 8 ઈંચ, અંકલેશ્વરમાં 5 ઈંચ, જૂનાગઢમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. કહી શકાય કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે.

ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં સારો વરસાદ થશે. તો આજે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડશે. જ્યારે શનિવારે કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદની શકયતા છે. તો રવિવારે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રાજકોટ જીલ્લાના જેતપુરની ભાદર નદી પણ બે કાંઠે વહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાદર ભરપૂર વહી છે. ભાદર નદી બે કાંઠે વહેતા સામાકાઠા વિસ્તાર તરફ જવાનો રસ્તો બંધ છે. તો નદીના નીચાણવાળા વિસ્તારમાં પણ અર્લટ જાહેર કરાયું છે. રાજકોટ જિલ્લામાં મેઘરાજાની મહેરબાની થઈ.

ભારે વરસાદના પગલે ઘણાં વિસ્તારોમાં જળસંકટ હળવું થયું છે. ગોંડલ, શાપર, લોધિકા, કોટડા સાંગણીના નાના ડેમ ઓવરફ્લો થયા છે. તો મોટી મેંગણીનો મોતીસર ડેમ પણ ઓવરફ્લો થયો છે. જ્યારે શાપરવાડી ડેમમાં પણ પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. જેના પગલે 1500થી વધુ નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચેકડેમો ઓવરફ્લો થતાં અનેક ગામડાઓમાં પાણીનું સંકટ હળવું થયું છે.

આ તરફ સુરતમાં પણ ધોધમાદ વરસાદ વરસી રહ્યો છે. શહેરના ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ અને બારોડલી તાલુકા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે નદી નાળામાં પાણીની આવકમાં વધારો થયો છે.

નવસારીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. નવસારી, જલાલપોર, ગણદેવી, વાંસદા, ખેરગામમાં પણ વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે પૂર્ણા નદીની જળસપાટી 17 ફૂટે પહોંચી છે. જ્યારે અંબિકા નદીની જળસપાટી 21 ફૂટે પહોંચી છે. તો તંત્ર દ્વારા પણ લોકોને નદીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.. વેરાવળમાં 1.5 ઈંચ, તલાલામાં 2 ઈંચ, સુત્રાપાડામાં 1 ઈંચ, કોડિનારમાં 3.5 ઈંચ, ઊનામાં 3 ઈંચ અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.. ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વડોદરામાં ભારે વરસાદની આગાહીના કારણે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વિશ્વામિત્રી, નર્મદા, ઓરસંગ અને ઢાઢર નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા 128 ગામ અને શહેરના 27 વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ સ્થાનિકોને નદી કિનારે ન જવા ચેતવણી પણ અપાઈ છે.. અને અધિકારી તેમજ સ્ટાફને હેડકવાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે.

જૂનાગઢમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢમાં છેલ્લા 24 કલાકથી જૂનાગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે.. જૂનાગઢમાં 7 ઈંચ, ભેસાણમાં 6 ઈંચ, વંથલીમાં 5 ઈંચસ વિસાવદરમાં 4 ઈંચ, માણાવદરમાં 3 ઈંચ, મેંદરડામાં 3 ઈંચ, કેશોદમાં 1 ઈંચ અને માળીયામાં 1 ઈંટ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે.

ભાવનગરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરના તળાજામાં 5 ઈંચ, મહુવામાં 4 ઈંચ, જેસરમાં 3.5 ઈંચ અને પાલીતાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે.

You might also like