રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર….દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે ભારે વરસાદ

ગુજરાતમાં મોડુ ભલે પણ ધીરે ધીરે ચોમાસુ આગળ વધતું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત માટે આગામી 48 કલાક ભારે હોવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.

મહત્વનું છે કે અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદનું જોર વધી શકે છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 15 જેટલી ટીમને અત્યારથી જ એલર્ટ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયાઇ પટ્ટીના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં વલસાડમાં વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના ઉમરગામ, પારડી, વાપીના દરિયાઇ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે વરસાદ આવતા ખેડૂતોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમરેલીમાં ભારે વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના રાજુલા નજીક જાટક ઘાતરવડી ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઘાતરવડી ડેમમાં એક ફુટ જેટલા પાણીની આવક થઈ છે.

તો બીજી તરફ નવસારીમાં સારા વરસાદના કારણે નદીઓ અને ડેમમાં નવા નીર આવ્યા છે. નવા નીર આવતા પૂર્ણા નદીમાં પાણીની આવક વધી છે. આ ઉપરાંત જૂજ અને કેલીયા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે.

આ તરફ તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. વ્યારા તથા આસપારના વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યો છે.. વાલોડ, વ્યારા, સોનગઢમાં પણ વરસાદ શરૂ થયો છે.. ભારે વરસાદ આવવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

નવસારીના વિજલપોર શહેરમાં ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં છે. રેલવેનું ગરનાળુ ઉભરાતા મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે.

You might also like