ભારે વરસાદથી રાજસ્થાનનું રણ દરિયામાં ફેરવાયુંઃ ૨૪ કલાકમાં ૧૧ લોકોનાં મોત

નવી દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ ચાલુ રાખી છે ત્યારે રાજસ્થાનમાં પણ વરસાદે કહેર વર્તાવ્યો છે. જેમાં સતત અને ભારે વરસાદથી રણ વિસ્તાર દરિયામાં ફેરવાઈ ગયો છે. જ્યારે 24 કલાકમાં 11 લોકોનાં મોત થયાં છે.બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે ઝરખંડમાં બે દિવસમાં આઠ ઈંચ વરસાદ પડવાની સંભાવના છે.

રાજસ્થાનના ઝાલોરના અલાવા પાલીમાં સતત વરસાદથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે અનેક લોકો પાણીથી બચવા ઝાડ પર ચડી ગયા હતા. સતત વરસાદથી જવાઈ ડેમમાં લગભગ 49 ફૂટ પાણી ભરાઈ ગયું છે. જયારે ગઈ કાલે ધૌલા ગામમાં પાણીમાં ફસાયેલા 50 લોકોને બચાવી લેવયા હતા. જોકે હાલ વરસાદ બંધ રહેતા લોકોએ થોડી રાહત અનુભવી છે.સતત વરસાદથી અનેક વિસ્તરમાં જળબંબાકાર સર્જાયો છે. ભાખરા વિસ્તારમાં ગઢ તૂટી જતાં અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. આ તરફ સેનાની બૈટલ-એકસ ડિવિઝનની ટીમનાજવાનોએ પાલી જિલ્લાના પાવટા ગામમાં પૂરમાં ફસાયેલા 31 લોકોને બચાવ્યા હતા. અને હજુપણ વિવિધ વિસ્તારમાં રાહત બચાવ કામગીરી ચાલુ છે.
વરસાદ રાજસ્થાનના પાંચ જિલ્લામાં આફત બન્યો

રાજસ્થાનના પાંચ જિલ્લા પ્રતાપગઢ,ચુરુ, ઉદયપુર, જોધપુર, અને નાગોરમાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી કુલ 11 લોકોનાં મોત થયાં છે. જેમાં કેટલાંક બાળકોનાં ડૂબી જતાં મોત થયા છે. આ રીતે આ વિસ્તારમાં વરસાદ માનવીઓ માટે આફતરૂપ સાબિત થયો છે. અને હજુ પણ આ રાજ્યના અનેક વિસ્તારમાં પાણી પાણી જોવા મળી
રહ્યુ છે.

લો પ્રેશર એરિયા નબળો પડ્યોઃ દિશા બદલાઈ
આમ તો હવે ધીમે ધીમે લો પ્રેશર એરિયા નબળો પડી જતાં મોન્સૂન પણ નબળું પડી રહ્યું છે. તેથી હવે તેની દિશા બદલાતાં રાજસ્થાન અને યુપી તરફ મોન્સૂન જઈ રહ્યું છે. તેના કારણે આગામી 28 અને 29મીએ આ વિસ્તારમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે.

દરમિયાન બિહાર તરફ પણ મોન્સૂન ફંટાઈ જતાં આગામી બે દિવસમાં આ વિસ્તારમાં આઠ ઈંચ વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગત રવિવારે થયેલા ભારે વરસાદના કારણે ગાલુડીહ અને ઘાટશિલા વચ્ચેનું ડાયવર્ઝન પાણીમાં તણાઈ જતાં હાઈવે પર વાહનોની પાંચ કિમી લાંબી લાઈન લાગી ગઈ હતી. આ વિસ્તારમાં એક જ દિવસમાં પાંચ ઈંચ વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો હતો. તેમજ આ વિસ્તારના 500 ઘરમાં પાણી ઘૂસી ગયાં હતાં.

ચંડીગઢમાં ભેખડો ધસી પડતાં ભારે અફરાતફરી
બીજી તરફ ભારે વરસાદથી હિમાચલ અને મનાલી-ચંડીગઢમાં ભેખડો ધસી પડતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. રોડ નજીક બનેલી આ ઘટનાથી સતર્ક બનેલા અનેક વાહનચાલકોએ તેમના વાહનો અટકાવી દેતા દુર્ઘટના ટળી હતી.
http://sambhaavnews.com/

You might also like