મુંબઈમાં મુશળધાર વરસાદઃ જનજીવન અસ્તવ્યસ્ત, ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો

મુંબઈઃ મુંબઈમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. શહેરના કેટલાય વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો છે. જોકે લોકલ ટ્રેનની સુવિધા લોકો માટે મોટી રાહતરૂપ રહી છે. વેસ્ટર્ન, હાર્બર અને સેન્ટ્રલ લાઈનની લોકલ ટ્રેન પોતાના નિર્ધારિત સમયે દોડી રહી છે. આ લાઈન પર માત્ર એક બે ટ્રેન જ થોડી મોડી દોડી રહી હોવાના સમાચાર છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે બપોરે દરિયામાં ૪.૬૨ મીટરની ઊંચાઈવાળાં મોજાં સાથે ભારે ભરતી આવવાની સંભાવના છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ ચાલુ છે. મુંબઈના લગભગ તમામ ભાગોમાં પાણી ભરાતાં ઠેર ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. વરસાદના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બોરીવલ્લી અને મલાડ વચ્ચે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.

પાણી ભરાવાના કારણે અંધેરી સબવે, દાદર સહિત કેટલાય વિસ્તારોમાં ટ્રાફિકમાં ફસાયેલા લોકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. બુધવારે વરસાદ નહીં પડતા લોકોને રાહત થઈ હતી, પરંતુ ગુરુવારથી ફરીથી મુશળધાર વરસાદ ચાલુ થઈ જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. આજ સવારથી પણ વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. શુક્રવારે ૭૦ મી.મી. થી લઈને ૧૦૩ મી.મી. સુધી વરસાદ નોંધાયો હતો. અલીબાગથી લઈને દહાણુ વચ્ચે જુદા જુદા વિસ્તારોમાં આ વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં મુંબઈમાં ૬૮૦ મી.મી. વરસાદ નોંધાયો છે અને હવામાન વિભાગનું અનુમાન છે કે જુલાઈના અંત સુધીમાં ૭૯૯.૭૦ મી.મી. જેટલો વરસાદ થઈ શકે છે.

છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે મુંબઈના ઉપનગરોના જુદા જુદા વિસ્તારોમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમના ઉપનગરો જેવાં કે બોરીવલી, કાંદીવલી, સાંતાક્રૂઝ, વિલેપાર્લે, ગોરેગાંવ, મલાડ સહિતના વિવિધ ઉપનગરિય વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મુંબઈગરાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારથી વરસાદ ચાલુ થઈ જતાં ઓફિસે જતા મુંબઈગરાઓ અને શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

દાદર, ઘાટકોપર, કિંગ સર્કલ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. નીચાણવાળા વિસ્તારો જડબંબાકાર થતાં ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને ઠેર ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. મુંબઈના કેટલાંક ઉપનગરોમાં નીચાણવાળી સોસાયટીઓમાં મકાનોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં. હાર્બર લાઈન પર લોકલ ટ્રેનની સુવિધાઓ પ્રભાવિત થઈ હતી.
http://sambhaavnews.com/

You might also like