દિલ્હી-NCRમાં ભારે વરસાદઃ ટ્રાફિક જામઃ ફ્લાઇટ પ્રભાવિત

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં આજે સવારે ૭.૩૦ કલાકથી જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે. મુશળધાર વરસાદને કારણે દિલ્હી-એનસીઆરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વધુ એકવાર ટ્રાફિક જામ સર્જાયો છે અને ઓફિસે જતા લોકોને સારી એ‍વી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ઠેરઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો.

દેશના પાટનગર દિલ્હીમાં ફરી એકવાર વરસાદના કારણે મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ગુડગાંવ, દિલ્હી, આનંદવિહાર, નોઈડા, એન્ટ્રીગેઈટ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તા પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ગાઝિયાબાદ અને ફરિદાબાદના કેટલાય વિસ્તારોનાં નાળાંઓમાં પાણી ભરાઈ ગયાં છે. ગુડગાંવમાં સ્થિતિ પર નિયંત્રણ રાખવા પોલીસ કમિશનરે ૧૦૦ જેટલા પોલીસકર્મીઓને તહેનાત કર્યા હતા કે જેથી ટ્રાફિક જામ જેવી સ્થિતિને નિવારી શકાય. આ ઉપરાંત ગુડગાંવ પોલીસે ટ્વિટ કરીને લોકોને ધીરજ રાખવા અને ટ્રાફિકના નિયમનોનું પાલન કરવા જણાવાયું છે.

સીમાપુરી બોર્ડર, આશ્રમ, વજિરાબાદ, ધોળાકૂવા, આનંદવિહારથી નોઈડા, કરોલ બાગ સહિત કેટલાય વિસ્તારોમાં જળબંબાકારના કારણે રસ્તાઓ પર ગાડીઓ અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. નોઈડા સેક્ટર અને ભંગેલ, બરોલા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

You might also like