અડધું ભારત પૂરમાંઃ ભારે વરસાદથી ૭૬ લોકોનાં મોત

નવી દિલ્હી: દેશનાં મોટા ભાગનાં રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી સતત થઈ રહેલા ભારે વરસાદથી અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે અને ભારે તારાજી સર્જાઈ છે ત્યારે ગુજરાત, રાજસ્થાન, યુપી, બિહાર, આસામ, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યમાં ભારે વરસાદથી કુલ 76 લોકોનાં મોત થયાં છે.

સતત વરસાદથી મધ્યપ્રદેશના કટનીમાં કટાએ નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઈ આ વિસ્તારને ભયજનક જાહેર કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક લોકો આ વિસ્તારમાં ઘૂસવા પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ ઝારખંડના રામગઢમાં એક બાળક તેના પરિવાર સાથે મંદિર ગયો હતો અને પરત ફરતી વખતે આ બાળક અને તેના પિતા પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભારે વરસાદથી નદીમાં એકાએક પાણી વધી જતાં બાળકનો હાથ છૂટી જતાં તે પાણીમાં તણાઈ ગયો હતો, જોકે તાત્કાલિક એક વ્યકિતએ પાણીમાં પડી બાળકને બચાવી લીધો હતો, જ્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદથી કોલ્હાપુર-રત્નાગિરિ માર્ગ પર પાણી ભરાઈ જતાં તેમાં એક બીએમડબ્લ્યુ ફસાઈ ગઈ હતી. આ કારમાં બે લોકો બેઠા હતા, જોકે તેમને પાણીનો અંદાજ આવી જતાં તેઓ કાર છોડી બહાર નીકળી ગયા હતા, ત્યાર બાદ તંત્રએ તેમની કારને બહાર કાઢી હતી.

કર્જતમાં પિતા અને પુત્રી પાણીમાં તણાઈ ગયાં
સતત વરસાદથી મહારાષ્ટ્રના કર્જતમાં બનેલી ભયાનક ઘટનામાં એક જગ્યાએ ભરાઈ ગયેલા પાણીમાંથી પસાર થઈ રહેલા પિતા તેમની પુત્રી સાથે તણાઈ ગયા હતા. આ ઘટનામાં પાણીમાં ફસાયેલી પુત્રીને બચાવવા પિતાએ પાણીમાં છલાંગ લગાવી હતી, પરંતુ તેઓ પણ પાણીના જોર સામે કંઈ જ કરી ન શકતાં તેઓ પણ તણાઈ ગયા હતા. ત્યારબાદ તંત્રએ તપાસ કરતાં પિતાની લાશ મળી આવી હતી, જ્યારે પુત્રીની કોઈ ભાળ મળી નથી.

આસામમાં 60 હજાર લોકો પૂરથી પ્રભાવિત
દેશમાં હાલ સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે આસામમાં ભારે વરસાદથી 60 હજાર લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જેમને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત યુપીના રામપુરની બે ઘટનામાં ત્રણ બાળકોનાં ડૂબી જતાં મોત થયાં છે, જ્યારે અન્ય સ્વાર તાલુકામાં કોશી નદીમાં ડૂબી જતાં બે બાળકનાં મોત થયાં છે. આ બંને ઘટનાથી મૃતક બાળકોના પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મધ્યપ્રદેશના કંવલા ગામમાં ઘરમાં મગર ઘૂસી ગયો
મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ચંબલ નદીમાં પૂર આવતાં પાણીના પ્રવાહમાં મંદસૌર જિલ્લાના કંવલા ગામમાં એક મગર તણાઈ આવતાં મગર એક ઘરમાં ઘૂસી જતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. બાદમાં વન વિભાગને આ અંગે જાણ કરાતાં ભારે જહેમત બાદ ગામલોકોએ વન વિભાગને મદદ કરતાં મગરને પકડી લેવાયો હતો. ત્યારબાદ તેને નદીમાં છોડી દેવાયો હતો.

ગોદાવરીમાં પૂરઃ બાડમેર-પાલીમાં આઠ ઈંચ વરસાદ
મહારાષ્ટ્રમાં સતત અને ભારે વરસાદ થતાં અનેક નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે, જેમાં ગોદાવરી નદીમાં પૂર આવ્યું હતું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજસ્થાનના જોધપુર અને બાડમેર-પાલીમાં પણ સતત વરસાદ થતાં લગભગ આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. ઝાલોરમાં પણ અવિરત વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદથી ચારેય જિલ્લામાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.

પટણામાં આઠ કલાકથી વરસાદ
વરસાદથી બિહારમાં અતિ વિકટ પરિસ્થિતી ઊભી થઈ છે, જેમાં પટણામાં સતત આઠ કલાક વરસાદ પડતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. આ વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં લોકો અટવાઈ ગયા હતા. બીજી તરફ ભારે વરસાદથી હોસ્પિટલના મેડિસિન વિભાગમાં પાણી ભરાઈ જતાં અનેક દર્દીઓ મુસીબતમાં મુકાઈ ગયા હતા.
http://sambhaavnews.com/

You might also like