નરોડામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ: શહેરમાં ચોમાસાએ મોડે મોડે પણ હવે જમાવટ કરી છે. શ્રાવણના સરવરિયાને બદલે મેઘરાજાની તોફાની સવારી અમદાવાદને ધમરોળી રહી છે. આજે સવારના ૭-૦૦ વાગ્યાથી વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં નરોડા વિસ્તારમાં બે કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે કુબેરનગર અંડરપાસ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. સમગ્ર નરોડા વિસ્તારમાં પાણી-પાણી થઇ ગયું છે.

છેલ્લા ર૪ કલાકથી અમદાવાદમાં ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક જોરદાર ઝાપટું પડી રહ્યું છે. ગઇ કાલના સવારના છ વાગ્યાથી આજે સવારના છ વાગ્યા સુધીમાં અમદાવાદમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો હતો તેમાં પણ રાતના આઠથી બાર વાગ્યા દરમ્યાન વરસાદનું પ્રમાણ વધુ હતું.

આજ સવારથી શહેરમાં વરસાદની ઓછી-વધતી હાજરી તો હતી જ, પરંતુ આઠ વાગ્યાથી મેઘરાજાએ તોફાની ઇનિંગ રમવાની શરૂઆત કરી હતી. સવારના ૮ થી ૧૦ વાગ્યા સુધીમાં નરોડામાં ૩, રાણીપમાં બે ઇંચથી વધુ, કોતરપુરમાં ર, મેમ્કોમાં ૧.પ ઇંચથી વધુ, ઉસ્માનપુરા, બોડકદેવ, દૂધેશ્વરમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકતાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઇ ગયાં હતાં.
અખબારનગર અંડરપાસને પણ સવારે ૮-૪પ વાગ્યે બંધ કરી દવાની કોર્પો.ને ફરજ પડી હતી.

એક કલાક બાદ આ અંડરપાસ વાહનવ્યવહાર માટે ખોલી દેવાયો છે, પરંતુ કુબેરનગર અંડરપાસ હજુ બંધ જ છે. ટાગોરહોલ ખાતેના મ્યુનિ. મધ્યસ્થ કંટ્રોલરૂમનાં સૂત્રોના જણાવ્યા મુજબ સવારના ૮ થી ૧૦ દરમ્યાન ઉત્તર ઝોનમાં સૌથી વધુ પ૪ એમ.એમ., નવા પ.ઝોનમાં ર૮, પશ્ચિમમાં ર૭, મ. ઝોનમાં રર, પૂ. ઝોનમાં ૯ તથા દ. ઝોનમાં ૬ એમ.એમ. આની સાથે શહેરમાં ચાલુ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ ૩પર એમ.એમ. (૧૪ ઇંચ) થયો છે.

દરમ્યાન અસારવામાં ચમનપુરા પાણીની ટાંકી પાસે એક ઝાડ તેમજ વાસણા પીટી ઠક્કર કોલેજ રોડ પર એક ઝાડ ધરાશાયી થયું હતું. જ્યારે વાસણા બેેરેજના ગેટ નં. ર૩ અને ર૪ને ત્રણ ફૂટ ખોલીને બેરેજમાં પાણીનું સ્તર ૧૩૧.રપ ફૂટનું જાળવી રખાયું છે. નદીમાં સવારે ૧૦ વાગ્યે ૪૪૩ ક્યુુસેક પાણી છોડાઇ રહ્યું હોઇ સ્થિતિ ચિંતાજનક નથી.

રાણીપ, ભીમજીપુરા, શાસ્ત્રીનગર, ૧૩ર ફીટ રિંગરોડ પાણીમાં ગરકાવ
શહેરના ભીમજીપુરા, અખબારનગર, સોલારોડ, અંકુર ચાર રસ્તા, શાસ્ત્રીનગર, ૧૩ર ફીટ રિંગરોડ વગેરે વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. વસ્ત્રાપુરમાં પણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. ઠેરઠેર વરસાદી પાણી જમા થવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. દરમિયાન ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૨૨.૫૩ એમએમ વરસાદ વરસ્યો હતો. વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં સૌથી વધુ ૭.૫૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યનો ચાલુ સિઝનનો કુલ વરસાદ ૪૩૮.૯૯ એમએમ થયો હોઈ વરસાદની ટકાવારી ૫૫.૦૭ ટકા નોંધાઈ છે. રાજ્યના તમામ ૨૫૦ તાલુકામાં ઓછોવત્તો વરસાદ પડતાં પીવાનું પાણી અને પશુઓના ઘાસચારાની સમસ્યા હળવી બની છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની ટકાવારી તપાસતાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૫૭.૪૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૬.૬૬ ટકા, કચ્છમાં ૪૯.૩૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૪૯.૨૧ ટકા અને મધ્ય ગુજરાતમાં ૪૭.૮૩ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એકંદરે સમગ્ર રાજ્ય માટે ચાલુ ચોમાસાની સિઝન સંતોષજનક જઈ રહી છે.

You might also like