અમદાવાદ શહેર અાખું વરસાદથી તરબોળ

અમદાવાદ: મેઘરાજા સૌરાષ્ટ્રમાં જે પ્રકારે અનરાધાર વરસી રહ્યા છે તેના ૧૦મા ભાગનું હેત અમદાવાદ પર વરસાવતા નથી તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના નિંભર તંત્રના અણઘડ આયોજનના અભાવે છેલ્લા ૧૦ દિવસથી શહેરનું સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. જો મેહુ‌િલયો મન મૂકીને ચોટીલાની માફક વરસે તો સમગ્ર અમદાવાદ પાણીમાં ગરકાવ થઇ જાય તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે. આજે સવારે પડેલા વરસાદથી પ્રજા ફરીથી દયનીય સ્થિતિમાં મુકાઇ ગઇ હતી. સવારની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ હતી. નોક‌િરયાત વર્ગ પાસેથી રિક્ષાવાળાઓ મોં માગ્યાં ભાડાં વસૂલી રહ્યા છે. ગૃહિણીઓ માટે દૂધ, શાકભાજી લેવાનું મુશ્કેલ બની ગયું છે, જોકે શહેરના શાસકો તો હજુ પણ અમદાવાદીઓની દુર્દશા જાણવા કંટ્રોલરૂમની એસી કેબિનની બહાર નીકળવાની દરકાર રાખતા નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ વહીવટના કારણે ચાલુ વર્ષે પણ પ્રી-મોન્સૂન એક્શન પ્લાન સદંતર નિષ્ફળ નીવડ્યો છે. શહેરની ગટરલાઇનો અને વરસાદના પાણીના નિકાલની લાઇનોની સાફ-સફાઇ માટે મ્યુનિસિપલ તિજોરીમાંથી ઓછામાં ઓછા રૂ. ૧૦ કરોડનું આંધણ કરાયું હતું. કમનસીબે કાગળ પર જ મેનહોલ અને કેચપીટની સફાઇ થવાના કારણે લોકો અષાઢી મેઘના આ પાછલા દિવસોમાં પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

હલકી ગુણવત્તાના બનતા રોડથી અમદાવાદ ખાડાનગરીમાં ફેરવાઇ ગયું છે. નવરંગપુરા ચાર રસ્તા પાસે અને સરદારનગરના કોતરપુર નજીક રોડ બેસી જવાથી મોટામસ ખાડા પડીને વાહનચાલકો માટે જોખમરૂપ બન્યા હતા. તેમ જણાવતાં મ્યુનિસિપલ કંટ્રોલરૂમનાં સૂત્રો વધુમાં ઉમેરે છે કે આજે સવારના છથી નવ દરમ્યાન પૂર્વ ઝોનમાં ર૮ એમ.એમ., નવા પશ્ચિમ ઝોનમાં ર૬ એમ.એમ., મધ્ય ઝોનમાં ર૬ એમ.એમ., પશ્ચિમ ઝોનમાં ર૭ એમ.એમ., ઉત્તર ઝોનમાં સૌથી વધુ ૪૦ એમ.એમ. અને દક્ષિણ ઝોનમાં ૩૧ એમ.એમ. વરસાદ નોંધાયો હતો, જ્યારે વિસ્તાર પ્રમાણે વરસાદની વિગતો તપાસતાં કોતરપુરમાં સૌથી વધુ ૪૭ એમ.એમ., નરોડામાં ૪ર એમ.એમ., વટવામાં ૩૩ એમ.એમ., ચાંદખેડામાં ૩પ એમ.એમ., વેજલપુરમાં ૩૦ એમ.એમ., ચકુડિયામાં ર૮ એમ.એમ., ઓઢવમાં ૩ર એમ.એમ., મેમ્કોમાં ૩૧ એમ.એમ., મ‌િણનગરમાં ર૯ એમ.એમ., વિરાટનગરમાં ર૬ એમ.એમ., પાલડી-ટાગોરહોલમાં ર૬ એમ.એમ., રાણીપમાં ર૪ એમ.એમ., બોડકદેવમાં ર૬ એમ.એમ., ગોતામાં રર એમ.એમ., ખમાસામાં ર૮ એમ.એમ., ઉસ્માનપુરામાં રર એમ.એમ. અને દૂધેશ્વરમાં ર૩ એમ.એમ. વરસાદ નોંધાયો હતો.

સવારે પડેલા વરસાદથી હાટકેશ્વર સર્કલ ફરીથી સંપૂર્ણ બેટમાં ફેરવાઇ ગયું હતું. ખોખરા-હાટકેશ્વર, સીટીએમ માર્ગની દુકાનો સહિતના ધંધા-રોજગાર પુનઃ ઠપ થયા હતા. રોડ પર વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાન અને સોસાયટી પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. નવા પશ્ચિમ ઝોનમાં આવેલા ગોતા વિસ્તારમાં આવેલ વંદે માતરમ્ વિસ્તારમાં વિશ્વકર્મા મંદિરથી અંદર જવાનો રોડ છેલ્લા બે દિવસથી તૂટી જવાના કારણે ત્યાં ભરાયેલાં પાણીમાં વાહનોની કતારો લાગી ગઇ હતી અને વિશ્વકર્મા મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયેલું નજરે પડતું હતું. મ‌િણનગર જૂની કોર્ટબજારમાં પણ પાણી ભરાયાં હતાં. ઉત્તમનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. કુબેરનગરના માયા સિનેમા રોડ પરના લોકો પણ ઘૂંટણસમાં પાણીથી તોબા પોકારી ઊઠ્યા હતા. વસ્ત્રાપુરમાં માનસી સર્કલ વિસ્તારથી લઇને વટવામાં સકુડી મસ્જિદ રોડ એમ ૭૦ જેટલાં સ્થળોએ વરસાદી પાણીએ પ્રજાની હાડમારીમાં વધારો કર્યો હતો. આવી કફોડી હાલતમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટોચના પદાધિકારીઓ કે એક પણ કોર્પોરેટર સ્થળ પર રૂબરૂ સ્થિતિ તપાસવા નીકળ્યા ન હતા. ફક્ત નવરંગપુરાનાં નંદિનીબહેન પંડ્યાએ મીઠાખળી અંડરપાસની મુલાકાત લીધી હતી.

દરમ્યાન ચાંદખેડાના જનતાનગર એ.એમ.ટી.એસ. બસસ્ટેશન પાસે વર્ષોજૂના બાવળનું વૃક્ષ ઊખડી જવાથી લોકો આઘાત પામ્યા હતા. ઉનાળામાં આ ઘટાદાર વૃક્ષ પ્રજાના વિસામાનું એક સ્થળ હતું. આ ઉપરાંત એલિસબ્રિજ, પશુ દવાખાના પાસે, ચંડોળા પાસે અને દરિયાપુર દરવાજા પાસે એક વૃક્ષ તૂટી પડ્યું હતું. મીઠાખળીના મહાદેવવાસ નજીક પણ વૃક્ષ જમીનદોસ્ત થયું હતું. બાપુનગરની જનરલ હોસ્પિટલ પાસે એક ઝાડ તૂટી પડ્યાની ફ‌િરયાદ મ્યુનિસિપલ ચોપડે નોંધાઇ હતી.

દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની કચેરીનાં સૂત્રોએ અમદાવાદમાં આગામી ર૯ જુલાઇ સુધી વાદળછાયા આકાશ સાથે મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરી છે, જ્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ કરાઇ છે. રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.

સેન્ટરવાઇઝ વરસાદ
નરોડા ૪ર
કોતરપુર ૪૭
વટવા ૩૩
ચાંદખેડા ૩પ
વેજલપુર ૩૦
ચકુ‌ડિ યા ર૮
ઓઢવ ૩ર
વિરાટનગર ર૬
ટાગોરહોલ ર૭
ઉસ્માનપુરા ર૩
રાણીપ ર૪
બોડકદેવ ર૬
ગોતા રર
ખમાસા ર૮
દૂધેશ્વર ર૩
મેમ્કો ૩૧
મ‌ણિનગર ર૯

http://sambhaavnews.com/

You might also like