રાજ્યમાં ભારે વરસાદની અાગાહી

ગુજરાતમાં પ્રારંભથી અષાઢી મેઘ જોઇએ તેટલો વરસ્યો નથી, જોકે અષાઢ મહિનાના આ છેલ્લા દિવસોમાં મેઘરાજા કંઇક અંશે રાજ્ય પર મહેરબાન થયા છે. મેહુલિયાના આગમનથી ખેડૂતોના મુરઝાયેલા ચહેરા પર થોડીક રોનક આવી છે. ક્યાંક ક્યાંક નદી-નાળાં છલકાયાં છે. આગામી ૪૮ કલાક રાજ્ય માટે ભારે વરસાદના રહેવાના હોઇ ખાલીખમ નાના-મોટા ડેમમાં પાણીનો જથ્થો જમા થાય તેમ લાગે છે. અલબત્ત, ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર જાગૃત થયું છે. સ્થાનિક હવામાન વિભાગના હવામાન નિષ્ણાત મનોરમા મોહંતી કહે છે, “ગુજરાત પર અપર એર સકર્યુલેશન છવાયું છે.

ડોશી રાજ્ય મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પણ અપર એર સકર્યુલેશન જોવા મળે છે. આ બંને પ્રકારના અપર એર સકર્યુલેશનથી ગુજરાતમાં આગામી ૪૮ કલાક ભારે વરસાદના રહેશે. ઉત્તર, મધ્ય અને દ‌િક્ષણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે કચ્છમાં પણ મધ્યમ કક્ષાના વરસાદની સંભાવના છે, જોકે રાજ્યનાં બંદરો પર આજે કોઇ ભયસૂચક સિગ્નલ મુકાયું નથી.”
દરમિયાન દ‌િક્ષણ ગુજરાતના વાપી-વલસાડ વિસ્તારમાં બારે મેઘ ખાંગા થતાં રેલવે અને રોડ વ્યવહાર પ્રભાવિત થયો છે.

દ‌િક્ષણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વરસાદે ભારે તબાહી મચાવીને લોકોનાં ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયાં છે. જિલ્લા કલેક્ટરે દમણગંગાના અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા તાકીદની બેઠક બોલાવીને ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર સેલ, પોલીસ, આરોગ્ય વિભાગને સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપી છે. આ ઉપરાંત સહેલાણીઓને સાપુતારા ન છોડવા તેમજ સાપુતારાની મુલાકાતે ન જવાની પણ તાકીદ તંત્ર દ્વારા કરાઇ છે.

You might also like