રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં સક્રીય થઇ લો-પ્રેશર સિસ્ટમ

રાજ્યમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડી અને ઓરિસ્સામાં લો પ્રેશર સિસ્ટમ સર્કિય થઈ છે. જેના કારણે રાજ્યમાં સારો એવો વરસાદ થઈ શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની આગાહીના પગલે તંત્રને પણ એલર્ટ કરી દેવાયું છે.  હવામાન વિભાગે માછિમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી છે.

જ્યારે બીજી તરફ અમદાવાદમાં 17 અને 18 જુલાઈએ મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગનું માનીએ તો અપર એર સાઈકલોનિક સિસ્ટમ મજબૂત થઈ છે. જેથી રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે.

ગીર-સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ઉના, દિવ, સોમનાથ, કોડીનાર, વેરાવળમાં વરસાદ વરસ્યો છે. સુત્રાપાડા, તાલાળા, પ્રભાસ પાટણમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

સુરત જિલ્લામાં મેઘરાજાની મહેરબાની જોવા મળી. સુરતમા વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો બારડોલીમાં 5 ઈંચ, ચોર્યાસીમાં 2 ઈંચ, કામરેજમાં 7 ઈંચ, મહુવામાં 4 ઈંચ, માંડવીમાં 1.5 ઈંચ, સુરતમાં 5.5 ઈંચ, ઉમરપાડામાં 2 ઈંચ, માંગરોળમાં 3 ઈંચ, ઓલપાડામાં 7 ઈંચ, પલસાણામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વરસાદના પગલે ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યું અને અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.

આ તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગીર-સોમનાથમાં છેલ્લા 3 દિવસમાં સારો વરસાદ પડયો છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લાના મોટાભાગના તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. ઉના, સોમનાથ, કોડીનાર, વેરાવળ, સૂત્રાપાડા, તાલાળા અને પ્રભાસ પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કોડીનારના આલિદર ગામમાં ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે આ તરફ કેદ્રશાસિત પ્રદેશ દિવમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

You might also like