ઉત્તર ગુજરાતમાં ૨૪ કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા લોકોના જીવ પડીકે બંધાયા

અમદાવાદ:  ઉત્તર ગુજરાતમાં છેલ્લા અાઠ દિવસથી મેઘ તાંડવે કહેર વર્તાવ્યો છે. ધાનેરા, ડીસા, કાંકરેજ સહિતના તાલુકામાં તબાહી સર્જાતા અનેક લોકો બેઘર બની ગયા છે અને કેટલાક મોતને પણ ભેટ્યાં છે. છેલ્લા ૨૪ કલાકના વિરામ બાદ ગઈ મોડી રાતથી ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદ શરૂ થતાં લોકોનાં ઉચાટના કારણે જીવ પડીકે બંધાઈ ગયાં છે અને હવે વધુ વરસાદ ખાબકે તો ક્યાં જવું તે બાબત લોકો માટે ચિંતારૂપ બની ગઈ છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. લોકો પોતાના જાન-માલનું રક્ષણ પણ કરી શક્યા નથી. ગઈકાલના ૨૪ કલાકના વિરામ બાદ મોડી રાતે એક વાગે ઉત્તર ગુજરાતના અનેક તાલુકાઓમાં ફરી વરસાદ શરૂ થયો છે. ત્યારે લોકો હવે કુદરતના કોપ સામે લાંબી ઝીક ઝીલી શકે તેમ નથી. જોકે સરકારી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને તમામ જાતની રાહત પહોંચાડવામાં અાવી રહી છે. અામ છતાં હજુ પણ સાબરકાંઠા અને બનાસકાંઠાના અનેક ગામો સંપર્ક વિહોણા હોય રાહત સામગ્રી પહોંચી ન શકતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

વરસાદે સૌરાષ્ટ્રને ધમરોળી નાખ્યા બાદ છેલ્લા ચાર દિવસથી વિરામ હતો, પરંતુ ગઈ રાતથી રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જે અત્યાર સુધી ચાલુ છે. મહેસાણાના કડીમાં ગઈરાતે ધોધમાર વરસાદ પડતા કડી જળબંબાકાર બની ગયું હતું. છેલ્લા ૨૪ કલાકમાં કડીમાં ૫, દિયોદરમાં ૮, રાધનપુરમાં ૬ તેમજ બહુચરાજી, ખેરાળુ, વિજાપુર, મહેસાણા, જોટાણા અને ઊંઝામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જોટાણામાં એક મકાન ધરાશાઈ થતાં મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળે છે. બનાસકાંઠાના અમીરગઢ અને ડીસામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે ૨૦ ગામોના ૧૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયું હતું. વરસાદની પરિસ્થિતિ વિકટ જણાતા ઉત્તર ગુજરાતમાં મોટાભાગની સ્કૂલો અને કોલેજો બંધ રહ્યા હતા. હરણાવ નદીમાં ભારે પૂર અાવતા અનેક લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં અાવ્યા હતા.

વિજાપુરમાં મહેશ્વર રોડથી ગોવિંદપુરા તરફ જતી કેનાલમાં મોટુ ગાબડું પડતાં ઈન્દિરાનગરમાં પાણી ફરી વળ્યું હતું. જેના કારણે ઈન્દિરાનગરના રહીશો પાણીમાં ફસાઈ ગયા હતા. ૧૨ પરિવારોના તમામ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં અાવ્યા છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે વડોદરા શહેરના છેવાડેથી પસાર થતી જાંબુઅા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ૧૭ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. અા ઉપરાંત વિશ્વામિત્રી નદીની સપાટી પણ સતત વધી રહી છે.

કચ્છના રાપરમાં રાત્રે ધોધમાર અાઠ ઈંચ વરસાદ ખાબકતાં બાભણકા ડેમ ઓવરફ્લો થયો હતો. અા ઉપરાંત નાના મોટા ડેમો અને તળાવો છલકાઈ ઓવરફ્લો થતાં મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.

You might also like