ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાયો

અમદાવાદ: ભારે વરસાદને કારણે વાપી અને ભિલાડ વચ્ચે રેલવેનો ટ્રેક ધોવાઈ ગયો છે. જેના કારણે અમદાવાદથી મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. અા ઉપરાંત વરસાદી વાતાવરણને કારણે અમદાવાદ એરપોર્ટથી અાવતી જતી એક ડઝન જેટલી ફ્લાઈટ પા કલાકથી એક કલાક સુધી ડીલે થઇ છે. જેને કારણે મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

પશ્ચિમ રેલવે દ્વારા બાંદરા-સુરત-જામનગર એક્સપ્રેસ, વિરાર-વલસાડ એક્સપ્રેસ, વલસાડ-મુંબઈ એક્સપ્રેસ, બાંદરા-વાપી-વિરાર એક્સપ્રેસ ટ્રેનને કેન્સલ કરવામાં અાવી છે. જ્યારે મુંબઈ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ બે કલાક, મુંબઈ લોકશક્તિ એક્સપ્રેસ પાંચ કલાક, મુંબઈ-અોખા-વેરાવળ પાંચ કલાક, બાંદરા-જયપુર સાડા ચાર કલાક, ચેન્નઈ- અમદાવાદ પાંચ કલાક, ગુજરાત મેલ પાંચ કલાક, મુંબઈ દૂરંતો અને પુણે દૂરંતો છ છ કલાક લેઈટ છે. અા ઉપરાંત બાંદરા-ઝાંસી પાંચ કલાક, મુંબઈ-ફિરોજપુર અઢી કલાક લેઈટ દોડાવવામાં અાવી રહી છે.

જ્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસને એક કલાક મોડી ઉપાડવામાં અાવશે.જ્યારે બીજી તરફ વરસાદી વાતાવરણથી અમદાવાદ એરપોર્ટ ઉપરથી અાવતી જતી એક ડઝન જેટલી ફ્લાઈટ્સ એક કલાક સુધી મોડી પડી હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ અબુધાબીથી અમદાવાદ અાવતી જેટ એરવેઝની 9ડબ્લ્યુ-519 અને એતિહાદ એરવેઝની ઈવાય-8730 એક કલાક જેટલી મોડી અાવી હતી. જ્યારે મુંબઈથી અાવતી જેટ એરવેઝની 9ડબ્લ્યુ-329 અને એતિહાદની ઈવાય-8792 નંબરની ફ્લાઈટ અડધો કલાક કરતાં વધુ મોડી અાવી હતી. તેવી જ રીતે દુબઈથી અાવતી સ્પાઈસ જેટની એસજી-16 અને ફ્લાય દુબઈની એફઝેડ-437 નંબરની ફ્લાઈટ પા કલાક કરતાં વધુ મોડી અાવી હતી.

જ્યારે અમદાવાદથી મુંબઈ જતી જેટ એરવેઝની 9ડબ્લ્યુ- 938, એર ફ્રાન્સની એએફ-6786 અને એતિહાદ એરવેઝની ઈવાય-8769 નંબરની ફ્લાઈટ પોણો કલાક, એર ઈન્ડિયાની એઅાઈ-614, ઈન્ડિગોની 6ઈ-214 નંબરની ફ્લાઈટ પા કલાક કરતાં વધુ મોડી ઉપડી હતી. તો અમદાવાદથી ચેન્નઈ જતી સ્પાઈસ જેટની એસજી-501 નંબરની ફ્લાઈટ પણ પા કલાક મોડી ઉપડી હતી.

You might also like