અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો કેર યથાવત્: બે દિવસમાં ૧૦૮ લોકો બેભાન

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો કેર યથાવત્ છે. કાળઝાળ ગરમી અને ઊંચા ભેજવાળા તાપમાને ૧૦૮ને મળતા ઈમર્જન્સી કોલની સંખ્યા વધી રહી છે. છેલ્લા બે દિવસની ગરમી દરમિયાન ૧૦૮ લોકો ગરમીના કારણે બેભાન થઈ ગયા હતા. ૧૦૮ ઈમર્જન્સી સર્વિસને બે જ દિવસમાં શહેરમાંથી ૩૩૩ કોલ મળ્યા છે તો રાજ્યભરથી ૧૨૬૫ કોલ મળ્યા છે. સૌથી વધુ કેસ બેભાન થવાના, પડી જવાના અને ડીહાઈડ્રેશનના નોંધાયા છે.

શહેરમાં અંગ દઝાડતી ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. ટુવ્હીલર અને પગપાળા ચાલીને ક્યાંય જવાનું મુશ્કેલ બન્યું છે. લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જોકે મોડી સાંજે હવા નીકળતાં લોકો રાહતનો શ્વાસ લે છે, પરંતુ બફારો પણ એટલો જ વધારે હોઈ શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

હીટવેવના કારણે ખાનગી દવાખાનાંઓ પણ દરદીઓથી ઊભરાઈ રહ્યાં છે. લૂ લાગવાના કારણે માથું દુઃખવું, પગની પીંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઊલટીઓ થવી, ચક્કર આવવા, બેભાન થવું, ખેંચ આવવી, નસકોરી ફૂટવી જેવી ફરિયાદો સાથે લોકો ખાનગી દવાખાનાઓમાં પણ સારવાર લઈ રહ્યા છે.

૧૦૮ ઈમર્જન્સી સેવાને છેલ્લા બે દિવસમાં મળેલા કોલમાં સૌથી વધુ ૧૦૮ કેસ બેભાન થઈ જવાના નોંધાયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે પેટના દુખાવાના ૨ દિવસમાં ૮૦ કેસ નોંધાયા છે. છાતીમાં દુખાવાના ૩૭, પડી જવાના કિસ્સામાં ૪૪, વોમિટિંગના ર૯, ડીહાઈડ્રેશન અને બીપીના ૩૫ કેસ નોંધાયા છે.

You might also like