કાળઝાળ ગરમીમાંથી ૨૦ મે પછી રાહત મળવાની શક્યતા

અમદાવાદ: છેલ્લા આઠ-દસ દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે. ૪૪ ડિગ્રીથી વધુ એવી કાળઝાળ ગરમી પડતી હોઇ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી થઇ ગઇ છે. વેકેશનમાં હરવા-ફરવાનો આનંદ માણવાના બદલે ભૂલકાંઓને ઘરમાં ગોંધાઇ રહેવાની ફરજ પડી રહી છે. મોડી સાંજે પણ ગરમ પવનના કારણે વાતાવરણ શુષ્ક બને છે. જોકે કમસે કમ અમદાવાદીઓએ હજુ આગામી ર૦ મે સુધી ભીષણ ગરમીને સહન કરવી પડશે.
અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જે લોકોએ હિલ સ્ટેશન જઇને ગરમી સામે રાહત મેળવી હતી તેઓ અમદાવાદ પરત આવતાં ફરીથી શેકાઇ ઊઠ્યા છે, કેમ કે આ વખતે ગરમીનું મોજું લાંબા સમય સુધી ચાલ્યું છે. આકરા તાપથી બચવા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, પરંતુ બાળકોની ધમાલ-મસ્તી કરવાની મજા ગરમીના પ્રકોપે છીનવી લીધી છે.
સ્થાનિક હવામાન વિભાગની કચેરીના નિયામક મનોરમા મોહંતી કહે છે કે અમદાવાદમાં ગરમીનો માહોલ આગામી તા.ર૦ મે સુધી જળવાઇ રહેશે. ત્યાં સુધી શહેરમાં ૪૪ ડિગ્રી કે તેની આસપાસ મહત્તમ તાપમાન નોંધાશે, પરંતુ ત્યાર બાદ અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ પશ્ચિમી દિશા ધરાવતા પવન ફુંકાશે. આ પવનોથી ગુજરાતમાં ગરમીનું મોજું ક્રમશઃ હળવું થશે અને ધીમે ધીમે ગરમીનો પારો નીચે ઊતરીને ૪૧-૪ર ડિગ્રીએ જઇને અટકશે.

You might also like