આવતા અઠવાડિયે હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં સૂર્યનારાયણના તાપથી લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. બપોરના સમયે તો આપોઆપ ‘ગરમી કરફયુ’ લદાઇ જાય છે. આવતા અઠવાડિયે પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાનો છે. અમદાવાદમાં ગઇ કાલે ૪૩.૬ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. કાળઝાળ ગરમી અમદાવાદીઓને રીતસર દઝાડી રહી છે. હજુ સુધી હીટ સ્ટ્રોકની કોઇ ઘટના નોંધાઇ નથી, પરંતુ કોર્પોરેશન દ્વારા આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આજે અને આવતી કાલે ગરમીનો પારો ૪૩ ડિગ્રીથી ઉપર રહેશે.

દરમિયાન અમદાવાદ સ્થિત સ્થાનિક હવામાન વિભાગની કચેરીએ આવતા અઠવાડિયે પણ ગરમીની તીવ્રતા યથાવત્ રહેવાની આગાહી કરી છે એટલે કે રવિવાર તા.૧ મેથી શનિવાર તા.૬ મે સુધી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અગનવર્ષા ચાલુ રહેશે. હીટ સ્ટ્રોકથી બચવા માટે પ્રજાએ પૂરતી કાળજી રાખવાની પણ આની સાથેસાથે હવામાન વિભાગ દ્વારા અપીલ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે રાજ્યભરમાં કાળઝાળ ગરમી માટેનું યલો વોર્નિંગ ગુરુવારે જાહેર કર્યું હતું.

You might also like