હેલ્ધી ફૂડ ઈન બ્રેકટાઇમ

બાળકોને સ્વાસ્થ્યસભર નાસ્તો સ્કૂલમાં આપવો એ દરેક માતાની સૌથી મોટી સમસ્યા છે. દરરોજ પોષકતત્ત્વોથી ભરપૂર નાસ્તો આપવા માટે શું નવી વાનગી બનાવવી? જેથી બાળક લંચમાં ખાવાનું પણ પસંદ કરે અને હેલ્ધી પણ રહે. ત્યારે આ બધી સમસ્યાનું નિવારણ ઇશાન ચૌહાણ લઇને આવ્યા છે. જેમણે પોતાની ટીમ સાથે મળીને બાળકો માટે ખાસ પોષકતત્ત્વોથી ભરપૂર વિવિધ પ્રકારનો આહાર તૈયાર કર્યો છે. તેઓ બ્રેકફાસ્ટ અને લંચના સમયે સ્કૂલમાં પહોંચાડે છે. આ માટે તેઓ સ્કૂલનો અને પેરેન્ટ્સનો સંપર્ક સાધે છે.

હાલમાં આ કંપની દ્વારા ખાનગી સ્કૂલોમાં લંચ, બ્રેકફાસ્ટ અને સાંજનો નાસ્તો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અમુક વખતે સરપ્રાઇઝ ફૂડ પણ હોય છે. બાકીના દિવસોમાં મેનૂ તેઓ એડવાન્સ આપી દેતા હોય છે. આ બાબતે કંપનીના કો-ફાઉન્ડર ઈશાન ચૌહાણ કહે છે કે, “અમારી પાસે ત્રણ ટાઇપનાં સબસ્ક્રિપ્શન છે. જેમાં વીકલી, ૩૦ દિવસ અને ૯૦ દિવસ માટે બ્રેકફાસ્ટ, લંચ અને સાંજનો નાસ્તો આપવામાં આવે છે. રોજેરોજ અલગ પ્રકારનું હેલ્ધી ફૂડ આપવામાં આવે છે. સવારની સ્કૂલમાં ભણતાં બાળકોને અમે ૧૦-૩૦ વાગ્યે બ્રેકફાસ્ટ, બપોરની સ્કૂલ હોય તો તેમને ૧-૩૦ વાગ્યે લંચ પૂરું પાડીએ છીએ. સ્કૂલ છૂટ્યા પછી એક્ટિવિટી પણ હોય છે ત્યારે સાંજનો નાસ્તો આપીએ છીએ.”

શહેરના જાણીતાં ન્યુટ્રિશિયન કલ્પના શુક્લા કહે છે કે, “અમારે ત્યાં વિદ્યાર્થીઓ માટે ફૂડ બનાવવાનું કિચન એકદમ હાઈજિન છે. દરેક ફૂડ મારા સુપરવિઝન હેઠળ બને છે. ઉંમર પ્રમાણે ન્યુટ્રિશિયનથી ભરપૂર આહાર બાળકોને આપીએ છીએ. બાળકો માટે જમવાનું બનાવવામાં આવે છે ત્યાં થોડાક સમયમાં સીસીટીવી કેમેરા લગાવાશે. જેના માધ્યમથી પેરેન્ટ્સ ફૂડ બનાવવાની પદ્ધતિ જોઈ શકશે.”

વર્કિંગ મધર સ્વાતિ મલ્હોત્રા કહે છે કે, “નાસ્તામાં શું આપવું એ મૂંઝવણ રહે છે, પરંતુ આવી કંપનીએ અમારાં બાળકોની સ્કૂલ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. જેનાથી હું ઘણી શાંતિ અનુભવું છું. બાળકોને ફૂડ ભાવે છે અને ટેસ્ટી હોય છે. ઘણી વખત બાળકોને સ્વીટ્સ પણ અપાતી હોય છે.”

ધોરણ ૧૨માં અભ્યાસ કરતી મહેક પટેલ કહે છે કે, “હું ઘરેથી લંચબોક્સ લઇને સ્કૂલ જતી નથી. આવી રીતે મારું લંચ બંધાવી દીધું છે. બ્રેક દરમિયાન ફ્રેશ અને ગરમ ખાવાનું મળે છે. લંચમાં રોજ અવનવી વાનગી પણ ખાવા મળે છે. અમુક ફૂડ મેં ફર્સ્ટટાઇમ જ ખાધું છે. જે ટેસ્ટી અને હેલ્ધી પણ હોય છે.”

કૃપા મહેતા

You might also like