હેલ્ધી ફૂડ કૅફે : ધ ન્યૂ કૉન્સેપ્ટ ઇન ટાઉન

આજના યંગસ્ટર્સ ફૂડી તો છે જ સાથે હેલ્થ કોન્શિયસ પણ એટલા જ છે. એક સમય હતો કે જ્યારે કીટલી કલ્ચરમાં બ્રેકફાસ્ટના નામે દાબેલી, પિત્ઝા, વડાંપાંઉ જેવાં હેવી અને જંકફૂડનો ક્રેઝ યુવાનોમાં ખૂબ જ હતો. પણ સમય સાથે હેલ્થ કોન્શિયસ થયેલા યુવાનોનો ટેસ્ટ બદલાઇ ગયો છે. યુવાનોના બદલાતા ટેસ્ટને આધારે હવે શહેરનાં કેટલાંક કૅફે પણ ખાસ પ્રકારના વિદેશી હેલ્ધી બ્રેકફાસ્ટના કૉન્સેપ્ટ કૅફેની દુનિયામાં લઇને આવ્યા છે. જે યુવાનોની પહેલી પસંદ બની રહ્યાં છે.

ફૂડ મેનુમાં સૌથી પહેલાં આવતા સલાડ જેમાં કેસર સલાડ અને લિફી સલાડ જેમાં લીલા શાકભાજી અને ફળોનું મિશ્રણ હોય છે. પછી વાત કરીએ સેન્ડવિચ અને હોટડોગની તો તેમાં પણ ઓટ્સ અને ઘઉંમાંથી બનેલી બ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે કેટલીક સ્પેશિયલ ડિશીસ પણ હોય છે. જેમાં કોર્ટેજ ચીઝ, ક્યુસિડિલા, એન ચિલાડાઝ, ટોર્ટિલા, ફ્રેન્ચ ટોસ્ટ, પોટેટો વેજીસ, કાથી રોલ, ડિમસમ્સ, ચીઝ શાકશૌકા, એગ ઢોંસા વિથ વેજ કરી, પોટેટો હબ ઑમલેટ્સ, સોગસેગ ઑમલેટનો સમાવેશ થયો છે.

આ પ્રકારનાં વિદેશી અને ફ્યુઝન ક્વિઝિન બનાવવા માટે કૅફેમાં ખાસ સ્પેશ્યિાલિસ્ટ પણ હાયર કરવામાં આવે છે. હેલ્ધી બ્રેકફાસ્ટ સાથે એપલ સિનેમોન્સ આઇસ ટી, કેમોઇલે ટી, પેપરમિન્ટ ટી, રિસ્ટ્રેટો જેવી હેલ્ધી ટી પણ ટ્રાય કરે છે.

કૅફેલવર રુચિ પટેલ જણાવે છે કે, “અમે વિકએન્ડમાં બધી ફ્રેન્ડ્સ ભેગી થઇને આવા કોઇ કૅફેમાં હેલ્ધી બ્રેકફાસ્ટ લેવા માટે જઇએ છીએ. મને એગ ઢોંસા વિથ વેજ કરી ખૂબ જ પસંદ છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે સમરમાં એગ આઇટમ ન ખાવી જોઇએ. પણ કેટલીક એગ આઇટમ્સ હેલ્ધી હોય છે જે સમરમાં પણ ખાઇ શકાય છે. આટલા હેલ્ધી બ્રેકફાસ્ટ પછી લંચ એક વખત મિસ થઇ જાય તો પણ વાંધો આવતો નથી.”

તો હેલ્થ કોન્શિયસ નીરજ વ્યાસ કહે છે કે, “હવે એવું નથી રહ્યું કે બહારનું ફૂડ હેવી અને જંક જ હોય છે. આપણે ત્યાં એવાં ઘણાં કૅફે છે કે જે ખૂબ હેલ્ધી ડાયટ ગ્રાહકોને પીરસે છે. શહેરની મધ્યમાં આવેલું એક કૅફે ખાસ યંગસ્ટર્સના ટેસ્ટને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્યાંના કબાબ, સોગસેગ ઑમલેટ ઉપરાંત પોટેટો હબ ઑમલેટ ખૂબ જ ટેસ્ટી છે. જ્યારે પણ સ્પેશ્યિલ ફૂડ ખાવાની ઇચ્છા થાય તો હું અને મારા ફ્રેન્ડ્સ તે કૅફેમાં પહોંચી જઇએ છીએ.”

યુવાનોનો ટેસ્ટ સમય સાથે બદલાઇ ગયો છે. હેલ્થ કોન્શિયસ યુવાનો હવે આડુંઅવળું ખાવાને બદલે થોડા વધારે પૈસા ખર્ચીને હેલ્ધી અને લાઇટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

કૃપા મહેતા

You might also like