હેડ કોન્સ્ટેબલની પત્નીના થેલામાંથી સોના-ચાંદીના દાગીના ચોરાયા

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલની પત્ની પાસે રહેલા થેલામાંથી સોના ચાંદીના દાગીના ચોરાતાં ચકચાર મચી ગઇ છે. શટલ રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં આવેલા તસ્કરો મહિલાની નજર ચૂકવીને તેના થેલામાંથી 44 હજાર રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરી લઇને ફરાર થઇ ગયા હતા.

અડાલજ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને અડાલજ પોલીસ લાઇનમાં રહેતા મૂળજીભાઇ સોલંકીની પત્ની કમળાબહેન સોલંકીએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં 44 હજાર રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરી થઇ હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. ઉલ્લેખનીય છે કે અમરાઇવાડી વિસ્તારમાં આવેલ કૈલાસધામ સોસાયટીમાં સામેથી કમળાબહેન શટલ રિક્ષામાં બેસીને હાટકેશ્વર સર્કલ પાસે ઊતર્યાં હતાં. તે સમયે તેમની પાસે રહેલા થેલામાંથી 44 હજાર રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરી થયા હોવાની જાણ થઇ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કમળાબહેન સોલંકી જ્યારે કૈલાસધામ સોસાયટીથી હાટકેશ્વર આવવા માટે શટલ રિક્ષામાં બેઠા હ. તે સમયે રિક્ષામાં પહેલેથી પેસેન્જરના સ્વાંગમાં તસ્કરોની ટોળકી બેઠી હતી. કમળાબહેન સાથે ટોળકીએ વાત કરવાનું શરૂ કર્યું હતું. કમળાબહેન વાતો કરી રહ્યાં હતાં તે સમયે તેમની નજર ચૂકવીને તેમના થેલામાંથી સોના ચાંદીના દાગીના ચોરી કર્યા હતા. આ ટોળકીમાં મહિલાઓ પણ સક્રિય હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અમરાઇવાડી પોલીસે પેસેન્જરોના સ્વાંગમાં ચોરી કરતી ટોળકીઓની વિગતો ક્રાઇમ બ્રાંચ પાસે મગાવીને તપાસ શરૂ કરી છે.

દરમિયાનમાં ર૦ દિવસ અગાઉ પલ્લવ ચાર રસ્તા પાસે એક મહિલાને રિક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી સોનાની ચેઇનની ચોરીનો બનાવ બન્યો હતો, જે સંદર્ભે નારણપુરા પોલીસે તપાસ કરતાં બાતમીના આધારે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ રમેશ ઉર્ફે ભુટ્ટી શંકરભાઇ નાયક (ઔડાનાં મકાન, ઓઢવ રીંગરોડ), પ્રવીણ ઉર્ફે ઇલિયો ગોપાલભાઇ સોલંકી (રહે.આંબેડકરબ્રિજ નીચે, પાલડી) અને દિનેશ ઉર્ફે ઘેટિયો જગુભાઇ તાતપ‌િરયા (રહે. આંબેડકરબ્રિજ નીચે, પાલડી)ને ઝડપી એક સોનાની ચેઇન અને રિક્ષા કબજે કર્યાં હતાં. આરોપીઓએ ચાર વખત ચોરી કર્યાની કબૂલાત કરી છે.

http://sambhaavnews.com/

You might also like