હેડકોન્સ્ટેબલને પણ PSIના પ્રમોશનની પરીક્ષામાં બેસવા દેવા હાઈકોર્ટનો અાદેશ

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના સંખ્યાબંધ હેડકોન્સ્ટેબલને રાહત આપતા એક હુકમમાં ગુજરાત હાઇકોર્ટે તેમને પીએસઆઇ તરીકેની બઢતીની પરીક્ષા આપવા માટેની છૂટ આપી છે. હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે તમામ અરજદારોને પરીક્ષામાં બેસવા દેવામાં આવે. જોકે જ્યાં સુધી પિટિશનનો નિકાલ ના આવે ત્યાં સુધી તેમનાં પરિણામ સીલ કવરમાં રાખવામાં આવે.

પીએસઆઇ તરીકે બઢતી મેળવવા માટેની માગ સાથે હેડકોન્સ્ટેબલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અલગ અલગ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. જેમાં આજે હાઇકોર્ટ જજ બીરેન વૈષ્ણવે સરકારને નોટિસ ઇશ્યૂ કરીને તમામ અરજદારોને પીએસઆઇની પરીક્ષામાં ભાગ લેવા દેવા માટેનો વચગાળાનો આદેશ કર્યો છે. અરજદારોએ પિટિશનમાં એવી રજૂઆત કરી હતી કે હેડકોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એએસઆઇ) સમકક્ષ પોસ્ટ હોવા છતાંય પ્રમોશન મેળવવા માટે એએસઆઇને અગ્રીમતા મળે છે.

પોલીસ ખાતામાં એક સમાન કામ અને એક સમાન પગાર હોવા છતાંય આ ભેદભાવ રાખવામાં આવી રહ્યો હોય તો હાઇકોર્ટેને હસ્તક્ષેપની જરૂર છે. થોડાક સમયમાં પીએસઆઇનાં પ્રમોશન માટેની પરીક્ષા થવાની છે. જેનાં ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. 10 મે હોવાથી હેડકોન્સ્ટેબલ દ્વારા હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ત્રણેક મહિના પહેલાં પીએસઆઇ તરીકે 430 જગ્યા ભરવા માટે 15 વર્ષથી હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 6100 પોલીસે મોડ 2ની ખાતાકીય પરીક્ષા આપી હતી. ડિપોર્ટમેન્ટલ પ્રમોશન એક્ઝામિનેશન બોર્ડ દ્વારા પીએસઆઇની ભરતી માટે 5 વર્ષથી એએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે ખાતાકીય પરીક્ષા રાખી છે. આ પરીક્ષામાં હેડકોન્સ્ટેબલને પણ ભાગ લેવા દેવા માટે હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ થઇ હતી.
http://sambhaavnews.com/

You might also like