કોંગ્રેસ અને JDSનાં નેતાઓએ લીધી રાજ્યપાલની મુલાકાત, 117 ધારાસભ્યોની સોંપી યાદી

બેંગલુરૂઃ કોંગ્રેસ અને JDSનાં ધારાસભ્યોએ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે આજે મુલાકાત કરી. જ્યાં કોંગ્રેસનાં ધારાસભ્યો બસમાં સવાર થઈને રાજભવન પહોંચ્યાં હતાં. આ સાથે કોંગ્રેસ અને JDS ગઠબંધન તરફથી સીએમ પદનાં ઉમેદવાર એચ.ડી કુમારસ્વામી અને તેમની પાર્ટીઓનાં ધારાસભ્યો પોતાની કારમાં રાજભવને પહોંચ્યાં હતાં.

મુખ્યપ્રધાન પદ્દનાં ઉમેદવાર કુમારસ્વામી અને જી.પરમેશ્વરે રાજ્યપાલ સાથે વિશેષ મુલાકાત યોજી હતી. કોંગ્રેસ અને JDSનાં તમામ ધારાસભ્યોનું સમર્થન પત્ર રાજ્યપાલને આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, અપક્ષ ધારાસભ્ય આર.શંકર પણ રાજભવન પહોંચ્યાં હતાં. તેઓ સવારે યેદિયુરપ્પાની સાથે હતાં.

મહત્વનું છે કે રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ કુમારસ્વામીએ જણાવ્યું કે, રાજ્યપાલે તેમને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ બંધારણ પ્રમાણે નિર્ણય લેશે. અમારી પાસે 117 જેટલાં ધારાસભ્યોનું સમર્થન છે. અમે તમામ મહત્વનાં કાગળો રાજ્યપાલને સોંપી દીધાં છે. કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે પણ કહ્યું કે, લોકતંત્રની હત્યા કરનારા દેશમાં સતત આગળ વધી રહ્યાં છે કે જે આ દેશનું સૌથી મોટું દુર્ભાગ્ય છે.

આ પહેલાં બુધવારનાં રોજ એચ ડી કુમારસ્વામીએ પણ એવો દાવો કર્યો હતો કે ભાજપે તેઓનાં ધારસભ્યોને તોડવા માટે અને સરકારની રચના કરવા માટે તેમનું સમર્થન મેળવવા માટે રૂ.100 કરોડની ઓફર પણ આપી હતી. જો કે ભાજપે આ આરોપને નકારી કાઢ્યો હતો. તેઓએ એક સંવાદદાતાનાં સંમેલનમાં જણાવ્યું કે,”ભાજપે અમારા ધારાસભ્યોને તોડવા માટે રૂ.100 કરોડની ઓફર કરી હતી. હું જાણું છું કે આ કાળું નાણું છે કે સફેદ નાણું.”

કુમારસ્વામીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, રાજ્યપાલનો આ વિશેષાધિકાર છે કે તેઓ કોને સરકારની રચના માટે બોલાવે પરંતુ ધારાસભ્યોની સંખ્યા ઓછી હોવાંને લઇને તેઓ સરકાર કેવી રીતે બનાવી શકે છે. એક સવાલનાં જવાબમાં તેઓએ ભાજપની સાથે ગઠબંધન સરકારનાં ગઠનની સંભાવના પૂરી રીતે ખારીજ કરી નાંખી છે.

You might also like