કર્ણાટક: કોંગ્રેસ-જેડી(એસ) વચ્ચે બજેટને લઇને ફરી જોવા મળ્યો વિવાદ

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર વચ્ચે રાજકીય સંકટના વાદળો દૂર થતાં જોવા મળતા નથી. જેડી(એસ) સુપ્રીમો એચ ડી દેવગૌડાએ બુધવારે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના એ સૂચનને નામંજૂર કરી દીધુ છે કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના નવુ બજેટ રજુ કરવાના બદલે પૂરક બજેટ રજુ કરવામાં આવે.

આ અંગે પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ કહ્યું કે હું સિધ્ધારમૈયાના સુચનની કોઇ નિંદા કરવા માગતો નથી. તેમણે આ અગાઉ પણ બજેટ રજૂ કર્યાં છે, પરંતુ મુખ્યમંત્રી (એચડી કુમારસ્વામી) કાંઇ નવું નથી કરી રહ્યાં. પૂર્વ પીએમએ કહ્યું નવી સરકાર માટે એ યોગ્ય છે કે તેઓ પૂરકની જગ્યાએ નવુ બજેટ રજૂ કરે.

જ્યારે સિધ્ધારમૈયા અને કુમારસ્વામી વચ્ચે મતભેદની ખબર અંગે પુછવામાં આવતા કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પક્ષના સંકટમોચક તરીકે જાણીતા ડી કે શિવકુમારે કહ્યું કે ત્યાં કોઇપણ જાતનો બંને પક્ષ વચ્ચે મતભેદ નથી.

રાહુલ ગાંધીએ જે નિર્ણય લીધો છે તેનું અમે પાલન કરીશું. કેટલાક લોકો મતભેદ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, પરંતુ રાષ્ટ્ર હિત અને પાર્ટીના હિતને જોઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે મુખ્યમંત્રી કુમારસ્વામી 5 જુલાઇના રોજ પહેલુ બજેટ રજુ કરશે.

આ મામલે એચ ડી કુમારસ્વામી અને કોંગ્રેસ નેતા સિધ્ધારમૈયા વચ્ચે મતભેદ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જો કે કુમારસ્વામીએ સિધ્ધારમૈયા સાથે કોઇ મતભેદ હોવાનો ઇન્કાર કર્યો હતો.

You might also like