નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની હજરતબાલ મસ્જિદ, ગોવાનું બોમ જિસસ બેસિલિકા, હૈદરાબાદની મક્કા મસ્જિદ, કેદારનાથ મંદિર અને બદરીનાથ મંદિર સ્વચ્છ ભારત મિશન હેઠળ એક સફાઈ અભિયાન માટે વિશેષ મહત્ત્વનાં ૯૦ સ્થાનમાં સામેલ થઈ શકે છે. કેન્દ્ર સરકારે વિશેષ મહત્ત્વનાં ૧૦૦ હેરિટેજ અને આધ્યાત્મિક સ્થાન માટે સફાઈ અભિયાનના પહેલા પગલારૂપે ગયા મહિને તાજમહાલ, વૈષ્ણોદેવી અને તિરુપતિ સહિત ૧૦ સ્થળની જાહેરાત કરી હતી.
સરકારની આ કોશિશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દેખરેખ હેઠળ થઈ રહી છે. ખૂબ જ જલદી અન્ય ૯૦ સ્થાનની જાહેરાત કરાશે. શોર્ટ લિસ્ટ કરાયેલાં ૧૪૫ હેરિટેજ અને આધ્યાત્મિક સ્થાનની એક યાદી તૈયાર કરાઈ હતી, યાદીમાં ધર્મના આધારે ધાર્મિક યાદીમાં અમરનાથ, બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, સોમનાથ, તિરુપતિ બાલાજી, કોણાર્ક સૂર્યમંદિર અને મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિર સામેલ છે.