આઈલેન્ડમાં જ્વાળામુખીથી એસિડ ડેન્જરઃ જમીન પર વહેતી લાવાની નદીઓ

વોશિંગ્ટન: હવાઇ આઇલેન્ડના કિલાઉ જ્વાળામુખી છેલ્લાં બે અઠવાડિયાંથી સક્રિય થયા હતા. હવે લાવા સમુદ્રમાં ભળી રહ્યો છે. ગત શનિવારથી જ્વાળામુખીમાંથી વધુ ઝડપથી લાવા નીકળી રહ્યો છે. હવાઇના બિગ આઇલેન્ડ પર લાવાના બ્લાસ્ટના કારણે આકાશમાં એસિડ અને કાચના નાના ટુકડાનાં વાદળ બંધાઇ રહ્યાં છે.

હવાઇ ઓથોરિટીએ સોમવારે સ્થાનિકોને ટોક્સિક સ્ટીમ ક્લાઉડ (ઝેરી વરાળથી બનતાં વાદળ)થી દૂર રહેવાની ચેતવણી આપી છે, કારણ કે જ્વાળામુખીનો લાવા સમુદ્રમાં ભળતાં જ કેમિકલ રિએક્શનના કારણે અહીંના હવામાનમાં ઝેરી ગેસ ભળી રહ્યો છે. ઉપરાંત હવામાં ૩૦૦ ફૂટની ઊંચાઇએ લાવા ફેંકાઇ રહ્યો છે.

કિલાઉ જ્વાળામુખીનો લાવા સોમવારે જીઓથર્મલ પાવર પ્લાન્ટ સુધી પહોંચી ગયો હતો. ઓફિસરોએ તાત્કાલિક વર્કર્સને પ્લાન્ટ્સ ખાલી કરી દેવાના આદેશ આપ્યા હતા, જેથી ટોક્સિક ગેસથી વર્કર્સના જીવને જોખમ ઊભું ના થાય. માઉન્ટ કિલાઉના સક્રિય થયા બાદ અત્યાર સુધીનું આ સૌથી મોટું જોખમ છે.

જીઓલોજિસ્ટ્સના જણાવ્યા અનુસાર વિશ્વના સૌથી એક્ટિવ વોલ્કેનોમાંથી એક કિલાઉના લાવાએ અત્યાર સુધી વધુ વિનાશ સર્જ્યો છે. પ્યુના જીઓથર્મલ વેન્ચર પ્લાન્ટ બિગ આઇલેન્ડ પર ૨૫ ટકા ક્ષેત્રમાં પાવર સપ્લાય કરે છે. સોમવારે જ્વાળામુખીનો લાવા અહીં પહોંચી ગયા બાદ પ્લાન્ટ્સને બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત પ્લાન્ટના ટ્યુર્બિનન્સમાં ઉપયોગમાં લેવાતા ૬૦,૦૦૦ ગેલન જ્વલનશીલ પેટન્ટ અન્યત્ર ખસેડી દેવામાં આવ્યા છે.

વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર સ્ટીમ ક્લાઉડ્સના કારણે હવામાં હાઇડ્રોક્લોરિક એસિડ અને કાચ ભળવાના કારણે સ્વાસ્થ્યને લગતાં જોખમ આગામી દિવસોમાં ઊભાં થશે. એસિડ એરના કારણે વ્યક્તિની સ્કિન અને આંખોમાં બળતરા ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.

લાવાની વરાળ કે જેને વિજ્ઞાનીઓએ ‘લેઝ’ નામ આપ્યું છે તે વેસ્ટ તરફ ર૪ કિલોમીટર સુધીના એરિયામાં ફેલાઇ ગઇ છે. લાવા અને સમુદ્રનું પાણી ભળવાના કારણે જે વરાળ ઉત્પન્ન થાય છે તેને લેઝ તરીકે ઓળખવામાં આવે છે.

You might also like