રાગ-દ્વેષ ભયંકર બંધનરૂપ બને છે

આપણા હિંદુ ધર્મમાં, જૈન ધર્મમાં કર્મવાદનું અપાર મહત્ત્વ છે, જોકે જગતના બીજા તમામ ધર્મો પણ કર્મવાદને તો માને જ છે. જગતના તમામ ધર્મ સ્પષ્ટરૂપે તેમનાં ધર્મશાસ્ત્રોમાં લખે છે કે કોઇએ પણ છળકપટ ન કરવું. પરસ્ત્રી પ્રત્યે ખરાબ નજરે ન જોવું. પરસ્ત્રી સાથે આડા સંબંધ ન રાખવા. તેનું મનોમન ચિંતન પણ કરવું નહીં. ચોરી, જુગાર, લૂંટ, વિશ્વાસઘાત ન કરવા વગેરે વગેરે. જગતના દરેક ધર્મ માને છે કે જે જેવું કરે છે તે તેવું ભોગવે છે. વાત આજે આપણે અહીં કરવાની છે રાગ અને દ્વેષની. રાગ અને દ્વેષ મનુષ્ય યોનિમાં બંધનરૂપ થઇ બીજા અનેક ભવ સુધી તેનાં અપાર કષ્ટ આપે છે. ઝાઝું પિષ્ટિપિંજણ કર્યા સિવાય તે અંગે વિશેષ જોઇએ.

રાગ એટલે કોઇના માટે હેતની લાગણી. આ હેત કે લાગણી પિતાને પુત્રી માટે, પુત્રીને પિતા કે માતા માટે, ભાઇને બહેન માટે, કોઇના પણ પ્રત્યે હોઇ શકે. મનગમતા પુરુષને પામવા માટે, કોઇ કાળા રંગની સ્ત્રી પણ કોઇ પુરુષ માટે રાગ રાખી શકે છે. રાગનાં બીજ જેટલાં ઊંડાં તેટલાં કર્મફળ વધારે જલદી પાકે. જો કોઇ પુરુષ જગતની સુંદર સ્ત્રીનું સતત ચિંતન કરે. મનોમન તેની સાથે વ્યભિચાર આદરે તો આ રાગ મોહવશ રાગ હોવાથી તે સ્ત્રી આ જન્મમાં અથવા બીજા કોઇ જન્મમાં તેની પ્રિયતમા થઇ તેની સાથે અપાર ભોગ ભોગવે છે. આ હતો રાગનો. દ્વેષ બાબતનું ઉદાહરણ. કોઇ સંસ્થામાં કોઇ બે કર્મચારી સહકાર્યકર છે.

એક કર્મચારી પાછળથી આવી પહેલા કર્મચારી કરતાં વધુ પ્રસિદ્ધિ મેળવે છે. તો તેનો સિનિયર કર્મચારી તેના પ્રત્યે પુષ્કળ ઇર્ષાભાવથી પીડાય છે. તે પોતાના જુનિયરનો નાશ કરવા કાંઇ કેટલાંય વાનાં કરે છે. મનોમન પુષ્કળ ધમપછાડા કરે છે. તેનો ઘડો લાડવો એક કરવા અથવા પોતાના અધિકારીની નજરમાં તે જુનિયરને નીચું દેખાડવાના તમામ શક્ય એટલા પ્રયત્ન આદરે છે. છતાં પછડાટ ઉપર પછડાટ ખાય છે, કારણ તે જુનિયરનું ભાગ્ય જોર કરે છે. જ્યાં સુધી તે જુનિયરનું ભાગ્ય જોર કરતું હશે ત્યાં સુધી તે િસનિયર તેનું કાંઇ જ બગાડી નહીં શકે. હા, સૂરજ સામે ધૂળ ઉછાળવાથી થોડુંક સામયિક અંધારું થાય છે. ધૂળનું આવરણ દૂર થતાં જ પાછું જગત ઝળહળ ઝળહળ થાય છે. તે જુનિયર કલંકિત થાય છતાં તેની નામના વધ્યા કરે. વાત અહીં પતતી નથી. તેનો તમાશો જુઓ.

આ જુનિયરનાં પુણ્ય પૂરાં થતાં તે સિનિયરનો વિજય થાય. તે જુનિયર મૃત્યુ પામે અથવા સ્થાન પરિવર્તન પામે તો પણ દ્વેષનાં બીજ સિનિયરે જેટલા કટુભાવથી વાવ્યાં હશે તે ભાવના કારણે બીજા અથવા કોઇક ભવમાં તે જુનિયર પેલા સિનિયરને ત્યાં પુત્ર કે પુત્રી સ્વરૂપે અથવા લૂલા કે લંગડા સ્વરૂપે અથવા માથાભારે વહુ બનીને પેલા સિનિયરને ત્યાં પોતાનાં ઋણાનુબંધ કાપવા આવે છે. હવે જે કટુભાવ, જે ધમપછાડા પેલા દુષ્ટે કર્યા હોય તે ધમપછાડા, કટુભાવ સાથે પેલો જુનિયર તેના પુત્ર કે પુત્રીરૂપે કે માથાભારે વહુ બની પેલાનો ભવ એવો બગાડે છે કે તેના અનેક જન્મો બગડે.

મિત્રો, કોઇ તમારું અહિત કરતું હોય તો તેવા સમયે સમતા ભાવ રાખી માત્ર ને માત્ર પ્રભુ સ્મરણ કરજો. પેલા દુઃખ દેતા મનુષ્ય પ્રત્યે કુભાવ સેવશો નહીં. તેના પ્રત્યે પ્રતિક્રમણ કર્યા કરજો. તેનું સહેજ પણ અિહત ન ઇચ્છતા નહીંતર તમારા અનેક ભવ બગડશે. તે વાત નિર્વિવાદ છે. રાગ અને દ્વેષનો જન્મ ક્રોધ અને માયામાંથી થાય છે. ક્રોધ અને માયા રાગ અને દ્વેષનાં માતા પિતા છે. ઇર્ષ્યા તેમની બહેન છે. •

You might also like