ફિલ્મ રિવ્યું: હેટ સ્ટોરી-૩

ટી સિરીઝના બેનર હેઠળ બનેલી ‘હેટ સ્ટોરી-૩’ના નિર્માતા ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને નિર્દેશક વિશાલ પંડ્યા છે. ફિલ્મનું સંગીત અમાલ મલિક, મીત બ્રધર્સ અને બેનેમેને આપ્યું છે.
ફિલ્મમાં ઝરીન ખાન, ડેઇઝી શાહ, શરમન જોશી અને કરણસિંહ ગ્રોવર જેવા કલાકારો છે.
નફરત, છેતરપિંડી અને બદલાની આસપાસ ‘હેટ સ્ટોરી-૩’ની કહાણી ફરતી રહે છે. આ ઇરોટિકલ થ્રિલર વર્તમાનના કોર્પોરેટ વર્લ્ડના જૂઠ અને બદલા પર આધારિત છે.

આદિત્ય સિંહ (શરમન જોશી) અને સિયા સિંહ (ઝરીન ખાન)ના હાથમાં ત્યારથી પારિવારિક બિઝનેસ છે જ્યારથી આદિત્યના મોટા ભાઇ વિક્રમનું મૃત્યુ થયું છે. તેમની જિંદગીમાં એક અજાણ્યો બિઝનેસમેન સૌરવ સિંઘાનિયા (કરણસિંહ) આવે છે. તે આદિત્યની કંપનીની સાથે મળીને બિઝનેસ કરવામાં રસ દાખવે છે. સૌરવ એક વિચિત્ર ઓફર આપે છે. આ બંને બિઝનેસમેનની વચ્ચે કાવ્યા (ડેઇઝી શાહ) ફસાયેલી છે, જે આદિત્યની સેક્રેટરી છે. કાવ્યા સૌરવને પ્રેમ કરી બેસે છે. કાવ્યા એ વાતથી અજાણ છે કે સૌરવ તેનો માત્ર ઉપયોગ કરી રહ્યો છે અને તે તેના હાથની કઠપૂતળી બની ગઇ છે. કાવ્યાનો ઉપયોગ સૌરવ આદિત્યને બરબાદ કરવામાં કરી રહ્યો છે. આગળની કહાણી આદિત્ય અને સિયાનું કામ એકસાથે મળીને સૌરવની અસલિયત જાણવાનું અને તેને ખુલ્લો પાડવાનું છે.આ ફિલ્મ દર્શકોને સંબંધોમાં પ્રેમ, નફરત અને ધોખાનો અહેસાસ કરાવે છે.

‘હેટ સ્ટોરી’ સિરીઝની ફિલ્મોનાં પાત્રો અત્યંત ક્રૂર, હાર્ડ હિટિંગ સંવાદ અને સીન એકદમ બોલ્ડ હોય છે. આ બધી બાબતો જ ફિલ્મની યુએસપી છે. ઓછા બજેટમાં બનાવાયેલી ફિલ્મો આ જ કારણોએ સફળ રહી છે. ‘હેટ સ્ટોરી’માં પાઉલી દામે અત્યંત બોલ્ડ સીન આપ્યા હતા. ‘હેટ સ્ટોરી-૨’માં બોલ્ડ સીન પ્રમાણમાં ઓછા હતા, તેમ છતાં પણ ફિલ્મે સારી એવી કમાણી કરી હતી. આ સિરીઝની ત્રીજી ફિલ્મમાં ડેઇઝી શાહ અને ઝરીન ખાન બે હીરોઇનો છે. બંનેએ બોલ્ડ સીન આપવામાં પાછું વળીને જોયું નથી. આ ફિલ્મ માટે પણ આવક રળી લેવી મુશ્કેલ નહીં હોય.

You might also like