દાઉદ ફેમિલી માટે દુબઈમાં ‘હસીના પારકર’ ફિલ્મનો સ્પેશિયલ શો

મુંબઈ: શ્રદ્ધા કપૂરની મુખ્ય ભૂમિકાવાળી હસીના પારકર સમીક્ષકોને અને દર્શકોને ખાસ પ્રભાવિત કરી શકી નથી પરંતુ અા ફિલ્મ જેના જીવન પરથી બનાવવામાં અાવી છે તે અોરિજિનલ હસીના પારકર ઉર્ફે અાપાની પારકર ફેમિલી અને દાઉદની કાસકર ફેમિલીના લગભગ બધા જ સભ્યોઅે સોશિયલ મીડિયા પર અા ફિલ્મનાં ખૂબ જ વખાણ કર્યાં છે.

હસીનાના ભાઈ ઇકબાલની ધરપકડ કરીને પૂછપરછ કરતી થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી છે કે પારકર અને કાસકર પરિવારો માટે દુબઈના મલ્ટિપ્લેક્સમાં અા ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં અાવ્યું હતું.  હસીના પારકરના ભાઈ ઇકબાલ કાસકર સાથે ખંડણીના કેસની તપાસ કરનાર એક અધિકારીઅે જણાવ્યું કે થાણે પોલીસે મેળવેલી માહિતી પ્રમાણે અા ફિલ્મ રિલીઝ કરવામાં અાવી. અે દિવસે દુબઈ મોલના રીલ સિનેમામાં હસીના પારકરના દીકરા અલી શાહે સ્ક્રીનિંગનું અાયોજન કર્યું હતું.

ઇન્વેસ્ટિગેટિવ એજન્સીની નજરથી બચવા માટે પારકર પરિવારે જે થિયેટરમાં હસીના પારકર ચાલતી નહોતી તે થિયેટર પસંદ કર્યું. થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઅોઅે જણાવ્યું કે દાઉદ ઇબ્રાહીમની બહેન હસીના પારકરના દીકરા અલી શાહે તેના પરિવાર અને મિત્રો માટે સ્પેશિયલ શોનું અાયોજન કર્યું હતું. તેમાં ઇકબાલ કાસકર અને ભારતના ભાગેડુ ગુનેગાર દાઉદ ઇબ્રાહીમના પરિવારનો પણ સમાવેશ થયો હતો.

સ્ક્રીનિંગ દરમિયાન શ્રદ્ધા કપૂરે હસીના અાપાની ભૂમિકા જે રીતે ભજવી હતી તે જોઈને પારકર અને કાસકર પરિવારના સભ્યો અાશ્ચર્યમાં પડી ગયા હતા અને અે તમામે શ્રદ્ધા કપૂરની ભરપૂર પ્રશંસા કરી હતી. જો કે વુમન ડોનના જીવન પર અાધારિત ફિલ્મમાં શ્રદ્ધા કપૂરના પર્ફોર્મન્સની ભરપૂર ટીકાઅો પણ થઈ રહી છે.

થાણેના પોલીસ કમિશનર પરમવીરસિંહે જણાવ્યું કે કાસકરે તેના ખંડણીના રેકેટ દ્વારા ફિલ્મ હસીના પારકર માટે ફાઈનાન્સ કર્યું છે કે નહીં અે બાબતની તપાસ ચાલતી હોવાનું જણાવ્યાના થોડા જ દિવસમાં સ્પેશિયલ સ્ક્રીનિંગના સમાચાર મળ્યા છે.

You might also like