હર્ષિતા બાદ હરિયાણાની ગાયિકા મમતા શર્માની હત્યા, ખેતરમાંથી મળી લાશ

રોહતક, શુક્રવાર
ચાર દિવસથી લાપતા થયેલી હરિયાણાની ગાયિકા મમતા શર્માની ગઈ કાલે એક ખેતરમાંથી લાશ મળી આવી હતી. મમતાનુું ગળું કાપી નાંખેલી હાલતમાં લાશ મળતાં પોલીસે અજાણ્યા શખસો સામે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અગાઉ પણ ગત ઓકટોબરમાં હરિયાણાની ગાયિકા અને ડાન્સર હર્ષિતા દહિંયાની પાણિપતમાં ગોળી મારી હત્યા થઈ હતી.

આ અંગે મળતી વિગતો અનુસાર કલાનૌરની રહીશ અને લોકગાયિકા મમતા ગત ૧૪મીએ સવારે આઠ વાગે ગોહાનાની ગૌશાળામાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા કારમાં નીકળી હતી. ત્યારે મોહિત કાર ચલાવી રહ્યો હતો. ત્યારે મોહિતે જણાવ્યું હતું કે તે જ્યારે લાહલી પાસે પહોંચ્યો હતો ત્યારે સામેથી કારમાં આવેલા બે યુવકોએ તેને કાર રોકવા ઈશારો કરતાં તેણે કાર રોકતાં તે બંને યુવક મમતાને સાથે લઈ ગયા હતા.

મમતાએ આ બંને યુવક તેના પરિચિત હોવાનું જણાવી અડધો કલાક બાદ જૂના બસ સ્ટેન્ડ પર મળવાનું જણાવ્યું હતું. જોકે ત્યાર બાદ મમતાનો ફોન સ્વિચઓફ થઈ ગયો હતો. જે અંગે મોહિતે મમતાના પરિવારજનોને જાણ કરી હતી.

મમતાના પરિવારજનોએ બે દિવસ તેની તપાસ કર્યા બાદ ગત ૧૬મીએ મમતાના પુત્ર ભારતે કલાનૌર પોલીસ મથકમાં તેની માતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન ગઈ કાલે સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં બનિયાની ગામના એક ખેડૂતે તેના ખેતરમાં મહિલાની લાશ પડી હોવાની જાણકારી આપી હતી. જે અંગે પોલીસે તપાસ કરતાં આ લાશ મમતા શર્માની હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે આ અંગે વધુમાં તપાસ કરતાં એવુ જાણવા મળ્યું હતું કે હત્યા પહેલાં મમતા પર બળાત્કાર પણ થયો હતો. અને બાદમાં તેનું ગળું કાપી નાખી લાશ ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી.

You might also like