હરિયાણામાં બે વિદ્યાર્થીઓ સહિત ૧૫ દલિતો સામે દેશદ્રોહનો કેસ ફટકારાયો

ચંડીગઢ: હરિયાણા પોલીસે ૧૫ દલિત એક્ટિવિસ્ટ પર દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. પોલીસે જેમની સામે દેશદ્રોહનો કેસ ફટકાર્યો છે તેમાં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ પર સરકાર વિરુદ્ધ ભડકાઉ ભાષણો કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ લગભગ ત્રણ મહિના પહેલાં અંબાલાના પત્તરહેડી ગામમાં થયેલ જાતિવાદી અથડામણોમાં હત્યાના આરોપી ચાર દલિતોની મુક્તિ માટે કરેલા વિરોધ દેખાવોમાં આ ભાષણો કર્યાં હતાં. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર એ વખતે થયેલી હિંસક અથડામણોમાં રાજપૂત સમુદાયના લોકો મૃત્યુ પામ્યા હતા.

દેખાવકારોનો આક્ષેપ છે કે જેમણે ૨૪ એપ્રિલના રોજ હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર સાથે ટૂંકી મુલાકાત કરી આ અથડામણમાં નિષ્પક્ષ તપાસની માગણી કરી હતી એ તમામ લોકો સામે દેશદ્રોહનો ખટલો દાખલ કરવામાં આવ્યો છે. માર્ચમાં થયેલી હત્યા બાદ ૨૧ એપ્રિલે દલિતોએ કરનાલના કરણપાર્ક ખાતે ૨૧ એપ્રિલથી ૨૬ એપ્રિલ દરમિયાન ધરણાં કર્યાં હતાં. દલિત ગામમાં થયેલી અથડામણ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા હતા.

પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર ગામના લોકોએ આ દેખાવો ને ધરણાં દરમિયાન ભડકાઉ ભાષણ કર્યાં હતાં અને સ્થાનિક લોકોની શાંતિનો ભંગ થાય તેવી કાર્યવાહી કરી હતી. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર એફઆઈઆરમાં ૧૫ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. કરનાલ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના અધિકારી મોહનલાલે આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે આરોપીઓ સામે કલમ ૧૨૪ એ હેઠળ રમખાણો, ગેરકાયદે બેઠક અને અન્ય આરોપો લગાવવામાં આવ્યા છે. એફઆઈઆરમાં ૨૪ એપ્રિલે કર્ણાટકમાં ચક્કાજામ કરવા બદલ અને પોલીસ કાર્યવાહીમાં અવરોધનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.

કરનાલના એસપી જશનદીપસિંહ રંધાવાએ જણાવ્યું હતું કે તેમને આરોપીઓ સામે દેશદ્રોહની કલમ-૧૨૪એ લગાવવા અંગે જાણકારી નથી. તેમણે જણાવ્યું હતું કે આ મામલો અંબાલામાં વિરોધ દેખાવો કરી રહેલા લોકો સાથે સંકળાયેલો છે. દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે કે તેની મને ખબર નથી. જો આવું હશે તો અમે કાનૂની અભિપ્રાય મેળવીશું અને આરોપો ખોટા પુરવાર થશે તો તે હટાવી દેવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like