પાણિપત: હરિયાણાના પાણિપત રેલવે સ્ટેશન પર ઊભેલી એક લોકલ ટ્રેનમાં ટાઇમ બોમ્બ ફાટતાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે સદનસીબે કોઇ ખુવારી થઇ નથી, પરંતુ ટ્રેનના ડબ્બાને ભારે નુકસાન પહોંચ્યું છે. પોલીસે તપાસ કરતાં સ્થળ પરથી બેટરી અને બે સેલ મળી આવ્યા છે. આ અંગે તપાસ જારી છે. મોડી રાત્રે કેન્દ્રીય ઇન્ટેલિજન્સ બ્યૂરોની ટીમ પાણિપત પહોંચી ગઇ હતી.
આ ટ્રેન બાદ આ જ સ્ટેશનથી કાલકા શતાબ્દી એકસપ્રેસ ટ્રેન આવવાની હતી. શતાબ્દીમાં હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ પ્રવાસ કરી રહ્યા હતા. અહેવાલો અનુસાર મનોહરલાલ ખટ્ટરને નિશાન બનાવવાની કોઇ સાિજશ હતી કે નહીં તેની સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. આ ટાઇમર બ્લાસ્ટ અંબાલા જતી મેમુ ટ્રેનમાં થયો હતો. બ્લાસ્ટ વખતે ટ્રેનમાં ૧૦થી ૧પ પ્રવાસીઓ જ બેઠા હતા. બ્લાસ્ટ બાદ રેલવે સ્ટેશન અને પાણિપતમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. બ્લાસ્ટમાં એક મહિલાને ઇજા થઇ હોવાના સમાચાર છે.