હરિયાણામાં જાટ આંદોલન વધુ હિંસા સાથે વકર્યુંઃ આજે સર્વપક્ષીય બેઠક

ચંડીગઢ: હરિયાણામાં જાટ સમુદાય માટે અનામતની માગને લઇને છેડાયેલું આંદોલન દિન-પ્રતિદિન વધુ ને વધુ ઉગ્ર બનતું જાય છે. આજે આંદોલનનો છઠ્ઠો દિવસ છે. આંદોલન હવે હિંસક બની ગયું છે. ખટ્ટર સરકારે જાટ આંદોલનને શાંત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. રાજ્યના તમામ પક્ષોનાે મત આ મુદ્દે લેવામાં આવશે.

આંદોલન ઝડપથી હિંસા સાથે વકરી રહ્યું છે. રોહતક, ઝઝર, ભિવાની, હિસ્સાર, જિંદ અને ફતેહાબાદમાં તો સ્થિતિ પહેલેથી જ વણસેલી હતી. હવે આંદોલન કૈથલ, પા‌િણપત, કુરુક્ષેત્ર, સોનીપત, રેવાડી, ગુડગાંવ અને નારનૌલમાં પણ પ્રસર્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાંય શહેરોમાં કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. રોહતક અને ઝઝરમાં રર ફેબ્રુઆરી સુધી શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવ્યાં છે. રોહતકમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આંદોલનકારીઓએ અનેક વાહનો સળગાવ્યાં હતાં અને દુકાનોમાં તોડફોડ કરી હતી.

આંદોલનકારીઓને વિખેરવા માટે પોલીસ અને આરએએફએ અશ્રુવાયુ છોડીને લાઠીચાર્જ કર્યો હતો. જાટ આંદોલનકારીઓએ રેલવે ટ્રેક પર ધામા નાખી દીધા છે. તેના કારણે રાજ્યમાં રેલ અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. આંદોલનકારીઓએ જાટ સમુદાયને સમાવવા માટે આર્થિક રીતે પછાતવર્ગનો કવોટા વધારવાની મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરની ઓફરને ફગાવી દીધી છે.

ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી નીરજ શર્માના જણાવ્યા પ્રમાણે આંદોલનના કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા તો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માલગાડીનો વ્યવહાર પણ પ્રભાવિત થતાં કુલ રૂ.૧૦૦ કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. રોહતકમાં મિની સચિવાલય નજીક કોર્ટની બહાર અનામતના સમર્થનમાં ધરણાં કરી રહેલા વકીલો અને બિનજાટ સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસને આ અથડામણ કાબૂમાં લેવા બળનો પ્રયોગ કરવો પડ્યો હતો.

You might also like