ભાદરવા સુદ ત્રીજને દિવસે કરો અખંડ સૌભાગ્ય આપનાર હરિતાલિકા વ્રત

ભાદરવા સુદ ત્રીજને દિવસે સવારમાં તલ અને આમળાંનાં ચૂર્ણ વડે સ્નાન કરી રેશમી વસ્ત્ર પહેરી માસ, પક્ષ વગેરેના ઉચ્ચારણથી સંકલ્પ લેવો કે, “ઉમા, મહેશ્વર, મારાં સર્વ પાપોનાં નાશ માટે સાત જન્મ સુધી રાજ્ય, અખંડ સૌભાગ્યવતી વિશેષ વૃદ્ધિ માટે તથા ઉભયની પ્રીતિ માટે હું આ વ્રત કરું છું, જે આપના પુત્ર ગણેશજીની કૃપા વડે નિર્વિઘ્ન સંપન્ન થાય.” તે પછી ગણપતિ સહિત ઉમા, મહેશ્વરનું પૂજન કરવું.

કથાઃ હિમાલય પર્વતરાજ છે. તેમને પુત્રી છે. આ પુત્રીએ બાળપણમાં ઉગ્ર તપ કર્યું હતું. બાર વર્ષ ધુમાડાનું પાન કર્યું અને ઊંધે માથે રહ્યાં. ૬૪ વર્ષ સુધી ઝાડનાં પાકેલાં તથા પડેલાં પાન ખાઇ તપ કર્યું. શિયાળામાં જળમાં રહી તપ કર્યું. ઉનાળામાં અગ્નિ વચ્ચે રહી તપ કર્યું.

ચોમાસામાં ખુલ્લા આકાશ નીચે અનરાધાર વરસાદ વચ્ચે રહી શિવને પામવા તપ કર્યું. આ જોઇ પિતાને ચિંતા થઇ કે આ કન્યા કોને પરણાવવી? તે અરસામાં નારદજી આવ્યા છે. દુઃખી પિતા નારદજી પાસે મન ઠાલવે છે.

નારદજીએ હિમાલયને કહ્યું કે, “આપની પુત્રી વિષ્ણુ સાથે પરણાવો.” આથી ખુશ થયેલા હિમાલયે પાર્વતીને કહ્યું કે, “હું તારા વિવાહ વિષ્ણુ સાથે કરવા માગું છું.” દુઃખી પાર્વતી બહેનપણી પાસે ગયાં. ખૂબ રડ્યાં તેની પાસે. આથી તેમની બહેનપણી તેમને વનમાં ઉપાડી ગઇ. તેમનું હરણ કર્યું.

પુત્રી ગુમ થવાથી હિમાલય હાહાકાર કરવા લાગ્યા. ચારે તરફ શોધવા લાગ્યા. વિષ્ણુને શો જવાબ આપવો ચિંતા કરવા લાગ્યા. લોકો દોડી આવ્યા. પિતા તેમને કહેવા લાગ્યા કે, “હવે હું શું કરીશ? મારી પુત્રીને કોણ ઉપાડી ગયું?”

આ બાજુ પાર્વતી સખી સાથે ગુફામાં રહેવા લાગ્યાં. રેતીનું શિવલિંગ સ્થાપી તેની પૂજા કરતાં હતાં. ભોજન કરતાં જ ન હતાં. એ વખતે ભાદરવા સુદ ત્રીજ આવી. ગીત, સંગીતથી તે દિવસે શિવનું પૂજન કર્યું. રાત્રે જાગરણ કર્યું.

વ્રતના પ્રભાવથી શિવ પ્રસન્ન થયા. પાર્વતી આગળ પ્રગટ થયા. વરદાન માગવા કહ્યું. પાર્વતીએ વરદાનમાં શિવને પતિ થવા જણાવ્યું. શિવે કબૂલ્યું. શિવ કૈલાસમાં ગયા. પાર્વતીએ નદીમાં લિંગ વિસર્જિત કર્યું. પારણાં કર્યાં.

એટલામાં પુત્રીને શોધતા પિતા વનમાં આવ્યા. ત્યાં બે કન્યા જોઇ. પિતા હર્ષથી પાગલ થયા. તેમણે પુત્રીને કહ્યું, “બેટા, અહીં કેમ છે? તને જંગલના વાઘ દીપડા ખાઇ કેમ ન ગયા?” પુત્રીએ પિતાને કહ્યું કે, “હે તાત, મને શિવને આપવાને બદલે તમે વિષ્ણુને આપવાનું વચન લીધું.

તેથી હું અહીં આવી ગઇ. જો તમે મને શિવ સાથે પરણાવવાનું વચન આપતા હો તો હું ઘેર આવું.” ચિંતાતુર પિતાએ પાર્વતીને વચન આપ્યું. પાર્વતી ઘેર આવ્યાં.

સારા મુહૂર્તમાં શિવ સાથે પાર્વતીનો વિવાહ કર્યો. જે કોઇ સ્ત્રી આ વ્રત કરે છે તેનાં સાત જન્મનાં પાપ દૂર થાય છે. શિવ જેવો પતિ મેળવે છે. અનર્ગળ દ્રવ્ય મેળવે છે. રાજાની રાણી જેવાં સુખ ભોગવે છે. હરિતાલિકા વ્રત હરી એટલે હરણ અને આલિ એટલે સખી. હરિતા એટલે જેનું હરણ થયું તે.

આથી કહી શકાય કે હરિતાલિકા વ્રત એટલે સખી વડે જેનું હરણ થયું તે. જે સ્ત્રી આ વ્રત કરી સ્થિર ચિત્ત રાખી, પતિ સહિત ભક્તિથી આ કથા સાંભળે છે તે સર્વ પાપથી મુક્ત થાય છે. સૌભાગ્ય તેનું વધે છે.

જે સ્ત્રી આ વ્રત કરે છે તે મા પાર્વતી જેવી સ્વરૂપવાન સાત ભવ સુધી થાય છે. આ જગતમાં પાર્વતીથી સ્વરૂપવાન બીજું કોઇ જ નથી. પૃથ્વી ઉપર પતિ સાથે અનેક સુખ ભોગવે છે. અંતે શિવસાયુજ્ય પામે છે. હજારો અશ્વમેધ તથા વાજપેય યજ્ઞ કર્યાંનું ફળ મેળવે છે. આ વ્રત કરનારને કરોડો યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે. •

You might also like